રાષ્ટ્રપતિ પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ ખડગે પર ભાજપના આકરા પ્રહારો, માફીની કરી માગ
BJP Slams On Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર ટિપ્પણી કરવી ભારે પડી છે. ભાજપે તેમના પર આકરા પ્રહારો કરતાં કોંગ્રેસને આદિવાસી વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું કે, ખડગેએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું પણ અપમાન કર્યું છે. તેમના આ નિવેદનના કારણે તમામ લોકો મલ્લિકાર્જુન અને કોંગ્રેસ પાર્ટીની નિંદા કરી રહ્યા છે. તેઓ રાષ્ટ્રપતિનું સન્માન કર્યા વિના જ મુર્માજી કહીને સંબોધિત કરે છે અને તેમને ભૂમાફિયા પણ કહે છે. આખો દેશ જાણે છે કે, કોણ ભૂમાફિયા છે.
રાહુલ ગાંધીના ઈશારે આપ્યું નિવેદન
ગૌરવ ભાટિયાએ આગળ કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને 'મુર્માજી' કહીને સંબોધિત કર્યા છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને પણ 'કોવિડ' કહ્યા છે. દ્રોપદી મુર્મૂ પર આરોપ મૂક્યો છે કે, તેઓ આપણી જમીન અને જંગલ છીનવીને રાષ્ટ્રપતિ બન્યા છે. રાહુલ ગાંધીના ઈશારે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગે આદિવાસી વિરોધી, દલિત વિરોધી, મહિલા વિરોધી, અને બંધારણ વિરોધી નિવેદન આપી રહ્યા છે.
માફી માગવા કરી અપીલ
ભાટિયાએ વધુ જણાવ્યું કે, ઉદિત રાજ કહેતા હોય છે કે, કોઈપણ દેશને દ્રોપદી મુર્મૂ જેવા રાષ્ટ્રપતિ ન મળવા જોઈએ. અધીર રંજન ચૌધરી રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની કહીને સંબોધિત કરે છે. આ દેશના સન્માનીય આદિવાસી મહિલા વિરૂદ્ધ અત્યંત આપત્તિજનક ટિપ્પણી છે. કોંગ્રેસ નેતાને લાગે છે કે, તે માત્ર નકલી ગાંધી પરિવારના સભ્યને જ બંધારણીય પદ પર બેસાડી શકે છે. અજય કુમાર કહે છે કે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ખરાબ માનસિકતા ધરાવે છે. મલ્લિકાર્જુન ખડગેનું આપત્તિજનક નિવેદન પુરાવો આપે છે કે, તેઓ જાણી જોઈને આમ બોલ્યા છે. તેમણે પોતાના નિવેદન પર માફી માગવી જોઈએ.
શું બોલ્યા હતાં ખડગે?
સોમવારે રાયપુરમાં આયોજિત એક રેલીમાં આદિવાસી અને દલિત રાષ્ટ્રપતિની નિમણૂક પાછળ ભાજપની ઈચ્છાઓ પર સવાલ ઉઠાવતા ગંભીર આરોપો મૂક્યા હતાં. તેમણે કહ્યું કે, વાતો તો મોટી મોટી કરો છો... મુર્માજીને તમે ભારતના રાષ્ટ્રપતિ બનાવી દો છો. કોવિડને, કોવિંદને પણ તમે રાષ્ટ્રપતિ બનાવી દો છો. હા ભાઈ બનાવ્યાં. પણ કેમ બનાવ્યાં? અમારી સંપત્તિ છીનવી લેવા માટે બનાવ્યાં, અમારી જળ, જંગલ અને જમીન છીનવી લેવા માટે.