હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે... કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્રસ્તાવ
Electronics Components Manufacturing - ECMS scheme 2025 : ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ વિના આધુનિક ટેકનોલોજી શક્ય નથી. સ્માર્ટફોનથી લઈને કમ્પ્યુટર, ટેલિવિઝન, ઓટોમોબાઇલ્સ અને અવકાશયાન સુધીના દરેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ શક્તિશાળી કમ્પોનન્ટ્સ પર નિર્ભર છે. ટેકનોલોજીના વિકાસ સાથે કમ્પોનન્ટ્સ વધુ નાના, કાર્યક્ષમ અને શક્તિશાળી બનતા જાય છે, ત્યારે આ દિશામાં ભારતે હરણફાળ ગતિ પકડી લીધી છે. આ જ ક્રમમાં દેશ-વિદેશની અને કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે આતૂર થઈ ગઈ છે.
કેન્દ્ર સરકારને 8000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મળ્યો
વાસ્તવમાં કેન્દ્ર સરકાર દેશમાં ઈલેક્ટ્રોનિક્સને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) ચલાવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ યોજના હેઠળ દેશમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ બનાવવા અને તેને એસેમ્બલ કરવા માટે કેન્દ્ર સરકારને 8000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મળ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનો હબ કહેવાતા ચીનમાં મોટી-મોટી કંપનીઓ બોરીયા-બિસ્તરા બાંધી રહી છે અને ભારતને વિકલ્પ તરીકે જોઈ રહી છે, ત્યારે સરકારની આ યોજના હેઠળ અનેક મોટી-મોટી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આતૂર થઈ છે.
ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ભારત બનશે વધુ મજબૂત
ECMS યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને ઈલેક્ટ્રોનિક્સ સપ્લાઈ ચેનમાં આત્મનિર્ભર બનાવવાનો તેમજ સ્થાનિક અને વૈશ્વિક રોકાણને આકર્ષી મજબૂત ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ ઉભી કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળે ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 22,919 કરોડ રૂપિયાના રોકાણની સાથે ઈસીએમએસ યોજનાને મંજૂરી આપી હતી.
સરકારને 8 હજાર કરોડનો પ્રસ્તાવ મળ્યો
ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઈસીએમએસ યોજના હેઠળ અરજી માંગી હતી. મંત્રાલયને 100થી વધુ વિદેશી અને ભારતીય કંપનીઓને પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ 7500 કરોડ રૂપિયાથી લઈને 8000 કરોડ રૂપિયા સુધીનો છે. દેશ-વિદેશની કંપનીઓ પ્રસ્તાવ હેઠળ ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ બનાવવા તેમજ તેને એસેમ્બલ કરવા ઈચ્છે છે.
આ પણ વાંચો : ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના જ ખરાબ થઈ ગયો સિબિલ સ્કોર? RBIના આ બે નિયમો જાણી લેજો
ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં મંજૂરી પ્રક્રિયા હાથ ધરાશે
દેશ-વિદેશથી પ્રસ્તાવો મળ્યા બાદ ભારત સરકાર ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં પ્રસ્તાવને મંજૂરી આપવાની શરૂઆત કરશે. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા માટે ભારત સરકારે ECMS યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ, સેમિકન્ડક્ટર્સ, ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ્સ, ATMP (અસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) એકમો અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉત્પાદન માટે સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાનો છે.
યોજનાના ફાયદા અને મહત્ત્વ
- આત્મનિર્ભરતા: આ યોજના ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપીને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરે છે, જે 'આત્મનિર્ભર ભારત' ના લક્ષ્ય સાથે સુસંગત છે.
- રોજગારીનું સર્જન: ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની સ્થાપના અને વિસ્તરણથી સીધી અને આડકતરી રીતે રોજગારીની તકોનું સર્જન થાય છે.
- ઇકોસિસ્ટમનો વિકાસ: તે ભારતમાં મજબૂત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવવા માટે મદદરૂપ થાય છે, જેમાં સંશોધન અને વિકાસ પણ સામેલ છે.
- વૈશ્વિક સ્પર્ધાત્મકતા: નાણાકીય સહાય દ્વારા ભારતીય કંપનીઓ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની શકે છે.
- મૂડી રોકાણને પ્રોત્સાહન: સ્થાનિક અને વિદેશી બંને રોકાણકારોને ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન મળે છે.