રાયપુરમાં કોરોનાગ્રસ્ત માતાની ત્રણ મહીનાની બાળકી પર નર્સોના વહાલની વર્ષા
- દેવી સ્વરૂપ નર્સ બહેનો પીપીઈ કીટ પહેરીને બાળકીને પ્રેમથી બોટલનું દૂધ પીવડાવતા જોવા મળ્યા
રાયપુર, તા. 15 એપ્રિલ 2020, બુધવાર
કોરોના વાયરસને લઈ સતત નિરાશાજનક સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે આવા વાતાવરણમાં છત્તીસગઢની એક તસવીર મનને શીતળતાનો અનુભવ કરાવનારી છે.
છત્તીસગઢની રાજધાની રાયપુર ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલની આ તસવીર ખૂબ જ સુંદર અને મજબૂત સંદેશો આપે છે. તસવીરમાં હોસ્પિટલમાં એડમિટ મહિલાની ત્રણ મહીનાની બાળકીને નર્સિંગ સ્ટાફ દૂધ પીવડાવતો જોવા મળી રહ્યો છે. જાણવા મળ્યા મુજબ આ બાળકીની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલો છે.
બાળકીને વહાલ કરીને દૂધ પીવડાવતી નર્સ બહેનો મુશ્કેલીના આ સમયમાં ભગવાન સમાન જણાય છે. રાયપુરની એઈમ્સ હોસ્પિટલના આ વીડિયોમાં પીપીઈ કીટ પહેરેલી નર્સિંગ સ્ટાફની બે બહેનો નાની બાળકીને બોટલ વડે ખૂબ જ પ્રેમથી દૂધ પીવડાવતી જોવા મળે છે.