India

અસહ્ય ગરમીથી રાહત મેળવવા NSG કમાન્ડોનો યુનિફોર્મ બદલાશે : ટ્રાયલ પૂર્ણ

By GS Team
10 Nov 20262 mins read
TukuTouch Logo
NSGના 'બ્લેક કેટ કમાન્ડો'ને હવે ટૂંક સમયમાં નવા યુનિફોર્મ મળશે. તાજેતરમાં વિજયવાડામાં 44 ડિગ્રી તાપમાનમાં ડ્યુટી દરમિયાન એક કમાન્ડો બેભાન થતાં આ નિર્ણય લેવાયો છે. કાળી વર્દી ગરમી વધુ શોષતી હોવાથી અને 6 કિલો બુલેટપ્રૂફ જેકેટ સાથે મુશ્કેલી થતી હોવાથી ‘નાઇકો’ ફેબ્રિકનો ઉપયોગ કરાશે. આ નવો યુનિફોર્મ VIP સુરક્ષામાં તૈનાત કમાન્ડોની કાર્યક્ષમતા વધારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અસહ્ય ગરમીથી રાહત મેળવવા NSG કમાન્ડોનો યુનિફોર્મ બદલાશે : ટ્રાયલ પૂર્ણ

NSG New Uniform : અસહ્ય ગરમીમાં VIP સુરક્ષાની જવાબદારી સંભાળતા NSGના 'બ્લેક કેટ કમાન્ડો'ને હવે ટૂંક સમયમાં નવા યુનિફોર્મ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ડ્યુટી દરમિયાન એક કમાન્ડો બેભાન થઈ જવાની ઘટના બાદ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)એ પોતાની VIP સુરક્ષા ટીમની યુનિફોર્મ બદલવાનો નિર્ણય લીધો છે.

યુનિફોર્મ બદલવાનું મુખ્ય કારણ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સુરક્ષામાં તૈનાત એક NSG કમાન્ડો વિજયવાડામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે ડ્યુટી દરમિયાન હીટસ્ટ્રોક અને અતિશય થાકને કારણે બેભાન થઈ ગયો હતો. કાળી વર્દી ગરમી વધુ શોષે છે અને તેની ઉપર કમાન્ડોએ આશરે 6 કિલોનું બુલેટપ્રૂફ જેકેટ, હથિયાર તેમજ કોમ્યુનિકેશન સાધનો પહેરેલા હતા. આ ઘટનાને NSG મુખ્યાલયના નિષ્ણાતોએ ગંભીરતાથી લઈને કાપડ બદલવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

નવી યુનિફોર્મની ખાસિયતો

  • NSGએ કમાન્ડો માટે ‘નાઇકો’ (Nyco) ફેબ્રિકનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે, જે નાયલોન અને કોટનનું ખાસ મિશ્રણ છે.
  • આ કાપડમાંથી હવા અને ભેજ સરળતાથી આરપાર જઈ શકે છે.
  • ગરમી અને ઉમસવાળા હવામાનમાં શરીર પ્રમાણમાં ઠંડુ રહે છે.
  • CRPFના CoBRA કમાન્ડો પણ જંગલો અને કપરા વાતાવરણમાં આ જ કાપડની યુનિફોર્મ પહેરે છે.

ટ્રાયલ પૂર્ણ અને ખરીદીની પ્રક્રિયા

સુરક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ નવા કાપડનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને NSG ટૂંક સમયમાં જ તેની ખરીદી શરૂ કરશે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય ત્યાં સુધીમાં NSG કમાન્ડો નવી યુનિફોર્મ પહેરવાનું શરૂ કરી દે તેવી શક્યતા છે.

કયા VIPsની સુરક્ષા કરે છે કમાન્ડો?

NSGની VIP સુરક્ષા યુનિટ (12 અને 13 સ્પેશિયલ રેન્જર ગ્રુપ) Z+ શ્રેણી હેઠળ 9 અગ્રણી હસ્તીઓને સુરક્ષા આપે છે. જેમાં ચંદ્રબાબુ નાયડુ, યોગી આદિત્યનાથ, માયાવતી, રાજનાથ સિંહ, લાલકૃષ્ણ અડવાણી, સર્બાનંદ સોનોવાલ, રમણ સિંહ, ગુલામ નબી આઝાદ અને ફારૂક અબ્દુલ્લાનો સમાવેશ થાય છે.

ફેરફારનું મહત્વ

બ્લેક કેટ કમાન્ડોને તમામ વાતાવરણમાં હાઈ એલર્ટ રહીને આતંકવાદ વિરોધી કામગીરી અને VIP સુરક્ષા આપવાની હોય છે. કાળી વર્દી અને 6 કિલોના ઉપકરણો સાથે કલાકો સુધી ઊભા રહેવું પડકારજનક હોય છે, તેથી આ નવો યુનિફોર્મ કમાન્ડોની શારીરિક સુરક્ષા અને કાર્યક્ષમતા બંને વધારશે.