Home Ministry Statement on Nowgam Police Station Blast: જમ્મુ કાશ્મીરના નૌગામમાં પોલીસ સ્ટેશનની અંદર બ્લાસ્ટના કારણે 9 લોકોના મોત થયા છે. જે મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલયએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે હરિયાણાના ફરીદાબાદમાંથી જપ્ત કરેલા વિસ્ફોટકના સેમ્પલની ફોરેન્સિક તપાસ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ કયા કારણોસર થયો તેની તપાસ હજુ કરવામાં આવશે.
ફરીદાબાદથી જપ્ત કરાયેલા જથ્થામાં બ્લાસ્ટ થયો
બ્લાસ્ટમાં 27 પોલીસ જવાન, બે અધિકારી તથા ત્રણ નાગરિકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ જણાવ્યું છે, કે વિસ્ફોટના કારણે પોલીસ સ્ટેશનની ઈમારત તથા આસપાસ ભારે નુકસાન થયું છે. તેમણે ખોટી અટકળો પર વિરામ લગાવવા પણ અપીલ કર છે.

ગૃહમંત્રાલયનું સત્તાવાર નિવેદન
સંયુક્ત સચિવ લોખંડેએ જણાવ્યું કે, ગઇકાલે રાત્રે 11.20 વાગ્યે પોલીસ સ્ટેશનમાં દુર્ભાગ્યપૂર્ણ વિસ્ફોટ થયો. આતંકવાદી મોડ્યુલની તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. વિસ્ફોટકમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા. જે બાદ ફોરેન્સિક તપાસ માટે મોકલવા દરમિયાન વિસ્ફોટ થયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટના કારણોની તપાસ ચાલી રહી છે.


