હવે 'વિકાસ'નો પણ વિપક્ષો બહિષ્કાર કરે છે 27 મે ની 'નીતિ આયોગ'ની બેઠકમાં ભાગ નહીં લે

- 24ની ચૂંટણી સિવાય વિપક્ષોને બીજું કશું દેખાતું નથી
- 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનાં લક્ષ્ય અંગે પણ વિપક્ષો પાછા પગલે ચાલી રહ્યાં છે
નવી દિલ્હી : દેશનાં નવા સંસદભવનના ઉદઘાટન સમારોહ અંગેનો વિપક્ષનો વિરોધ ગંભીર બની રહ્યો છે. તે સમારોહમાં ૨૧ પક્ષો સામેલ થવાના નથી. હવે તે વિરોધ 'વિકસી'ને 'નીતિ આયોગ'ની બેઠક સુધી પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત કેટલાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ ગેરહાજર રહેવાના છે. વાસ્તવમાં ૨૭મી મેના દિવસે યોજાનારી આ બેઠકમાં ૨૦૨૭ સુધીમાં ભારતને 'વિકસિત રાષ્ટ્ર' બનાવવા માટેનો પ્રારંભિક 'રોડ-મેપ' તૈયાર કરવાનો છે.
વડાપ્રધાન મોદી ૨૭મી મેના દિવસે યોજાનારી 'સંચાલન પરિષદ'ની આઠમી બેઠકનું અધ્યક્ષ પદ સંભાળવાના છે, તેમાં રાષ્ટ્રને ૨૦૪૭ સુધીમાં દેશમાં આરોગ્ય, કૌશલ વિકાસ, મહિલા સશક્તિકરણ અને પાયામાં તંત્રના વિકાસ સહિત કેટલાયે મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની છે.
આ બેઠકમાં દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપરાજ્યપાલો અને કેન્દ્રીય મંત્રીઓ સામેલ હોય છે.
આમ છતાં આ વખતે વિપક્ષી દળોના કેટલાયે મુખ્યમંત્રીઓ ભાગ લેવાના નથી. તેમાં મમતા બેનર્જી, ભૂપેશ બંધેલ, સુખવિંદર સુખ્ખુ, સિદ્ધરામૈય્યા, અશોક ગહેલોત સામેલ છે.
આ અંગે નિરીક્ષકો કહે છે કે વિરોધ પક્ષોને હવે ૨૦૨૪ની ચૂંટણી સિવાય બીજું કશું જ દેખાતું નથી તેવું લાગે છે. તેવો કોઈ પણ ભોગે કેન્દ્રની ભાજપ સરકારની કુથલી કરવા માંગે છે. મમતા બેનર્જી તો તેવો આક્ષેપ કરે છે કે આ બેઠકમાં માત્ર ભાષાબાજી જ થાય છે. તેમને કલાકો સુધી બેસાડી રખાય છે અને બોલવાની તક પણ અપાતી નથી. મમતાના આ આક્ષેપો જોતાં સ્પષ્ટ થતું જાય છે કે કેન્દ્રની ભાજપ સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે ટકરાવ વધતો જ જાય છે.

