AC Temperature : ભારત એક ગરમ પ્રદેશ છે. ઉનાળામાં દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રીથી વધી જતું હોય છે. અસહ્ય ગરમીથી બચવાનો આસાન ઉપાય છે AC. મોટાભાગના ભારતીયો ACનું તાપમાન 16થી 20 ડિગ્રી જેટલું નીચું રાખતા હોય છે. જોકે, હવે આમ કરવું શક્ય નહીં હોય, કેમ કે ભારત સરકાર એવો નિયમ લાવી રહી છે જેમાં AC નું તાપમાન 20 ડિગ્રીથી નીચે અને 28 ડિગ્રીથી ઉપર સેટ નહીં કરી શકાય.
આ પણ વાંચો: ચૂંટણીમાં વોટ ન આપ્યો એટલે 20 વર્ષ અગાઉ કરી હતી હત્યા, 6 આરોપીને હવે જન્મટીપની સજા
સરકારના 2047ના વિઝનની રૂપરેખાના ભાગરૂપે કરાઈ જાહેરાત
હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે, ‘એર કન્ડીશનિંગના ધોરણો અંગે ટૂંક સમયમાં એક નવી જોગવાઈ લાગુ કરવામાં આવી રહી છે. AC માટે તાપમાન ધોરણ 20 ડિગ્રી સેલ્સિયસથી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સેટ કરવામાં આવશે, જેનો અર્થ છે કે આપણે 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉપર તાપમાન સેટ કરી શકીશું નહીં.’ સરકારના 2047ના વિઝનની રૂપરેખાના ભાગરૂપે આ જાહેરાત કરાઈ છે.
AC તાપમાન માટે નિયમ લાગુ કરવા પાછળનો હેતુ શું છે?
AC તાપમાન માટેનો નિયમ લાગુ કરવા પાછળનો હેતુ ઉર્જા બચાવવા, વીજળીનો વપરાશ ઘટાડવા અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો છે. આ નિયમથી લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે. હાલમાં દેશમાં ACનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ 30 સુધી સેટ કરી શકાય છે. ઘણા લોકો ACનું તાપમાન 16થી 18 ડિગ્રી જેટલું રાખીને પછી ધાબળા ઓઢીને સૂતા હોય છે. એનો કોઈ અર્થ નથી, કેમ કે આમ કરવું ખિસ્સા અને શરીર બંને માટે હાનિકારક છે. ACનું તાપમાન 24 ડિગ્રી પર રાખો એ આદર્શ સ્થિતિ છે, કેમ કે એ શરીરની સાથે વીજળી પણ બચાવે છે, પણ લોકો સમજતા નથી, તેથી સરકાર આ નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ નિયમ ફક્ત ઘર અને ઑફિસ ઇમારતો માટે જ નહીં, વાહનોમાંના AC પર પણ લાગુ થશે.
વૈશ્વિક સ્તરે ACના તાપમાન બાબતે કેવા ધારાધોરણો છે?
ACના તાપમાન બાબતે નિયમ લાગુ કરનાર ભારત કંઈ પહેલો દેશ નથી. દુનિયાના અનેક દેશોમાં આવા નિયમો પાળવામાં આવે છે. અમુક દેશોના નિયમો જોઈએ તો…
અમેરિકા - 21–24°C
ઈટાલી - 23–25°C
યુરોપ - 22–25°C
જાપાન - 26–28°C
મધ્ય પૂર્વના દેશો - 20–24°C


