Kashmir Himachal Weather News: ઉત્તર ભારતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થવાને કારણે પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારતીય હવામાન વિભાગે(IMD) આગામી 24 કલાક માટે ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
મનાલીમાં હિમવર્ષા: પ્રવાસીઓમાં ખુશીનો માહોલ
હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલીમાં લાંબી રાહ જોયા બાદ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. આજે વહેલી સવારથી જ મનાલી શહેર સફેદ ચાદરથી ઢંકાઈ ગયું હતું. શહેરમાં આશરે બે ઇંચ જેટલો બરફ નોંધાયો છે. જોકે, હાલમાં નેશનલ હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર સામાન્ય છે. માત્ર મનાલી જ નહીં, પણ શિમલા, કુફરી અને નારકંડામાં પણ હિમવર્ષાની પ્રબળ શક્યતા છે.
કાશ્મીરમાં હવાઈ સેવા ખોરવાઈ: 26 ફ્લાઇટ્સ રદ
કાશ્મીર ખીણમાં સતત થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શ્રીનગર ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ઓછી વિઝિબિલિટી અને રનવે પર બરફ જામી જવાને કારણે અત્યાર સુધીમાં 26 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી એરલાઇન્સે મુસાફરોને ઍરપોર્ટ પર આવતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવા વિનંતી કરી છે.
ગુજરાત અને મેદાની વિસ્તારોમાં અસર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર માત્ર પહાડો પૂરતી મર્યાદિત નથી. દિલ્હી-NCR, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ હળવો વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. દિલ્હીમાં પવનની ગતિ 30થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં પણ પવનની દિશા બદલાતા ઠંડીના જોરમાં વધારો-ઘટાડો જોવા મળી શકે છે.
આ પણ વાંચો: ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ: 19 બાળકો સહિત 25 બીમાર, ઘેર-ઘેર માંદગીના ખાટલા
હવામાન વિભાગની મહત્ત્વની આગાહી
ઑરેન્જ ઍલર્ટ: લાહૌલ સ્પીતિ, ચંબા અને કુલ્લુમાં ભારે હિમવર્ષા અને 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
યલો ઍલર્ટ: મંડી, કાંગડા, હમીરપુર અને સોલનમાં કરા સાથે વરસાદની ચેતવણી.
આગામી તારીખ: 26 અને 27 જાન્યુઆરીએ ફરી એકવાર ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે.
હિમાચલના ઊંચાઈ વાળા વિસ્તારો જેવા કે અટલ ટનલ અને સિસુમાં પહેલાથી જ બરફ પડી રહ્યો હતો, પરંતુ હવે મુખ્ય શહેરોમાં હિમવર્ષા શરુ થતાં પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવવાની આશા છે.


