Get The App

ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ: 19 બાળકો સહિત 25 બીમાર, ઘેર-ઘેર માંદગીના ખાટલા

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ: 19 બાળકો સહિત 25 બીમાર, ઘેર-ઘેર માંદગીના ખાટલા 1 - image


Madhya Pradesh Water News : મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરના ભાગીરથપુરામાં દૂષિત પાણીની ઘટના બાદ હવે જિલ્લાના મઉ તાલુકાના પત્તી બજાર વિસ્તારમાં છેલ્લા 10થી 15 દિવસમાં 19 બાળકો સહિત લગભગ 25 લોકો કમળો (પીળિયો) અને ટાઈફોઈડ જેવી ગંભીર બીમારીઓની ઝપેટમાં આવી ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.

સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના નળોમાં ગંદુ, દુર્ગંધયુક્ત અને ડહોળું પાણી આવી રહ્યું છે. પાણીને ઉકાળ્યા પછી પણ વાસણોના તળિયે કચરો જામી જાય છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે કેટલાક બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ફરજ પડી છે.

ઘટનાની જાણ થતાં જ એસડીએમ રાકેશ પરમાર અને તહસીલદાર વિવેક સોની સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતા ચકાસવા માટે એક ઘર પાસેથી પાણી મંગાવીને જાતે પીને તેની તપાસ કરી હતી. આ સાથે, બીએમઓ ડૉ. યોગેશ સિંગારેના નિર્દેશન હેઠળ આરોગ્ય વિભાગની ટીમે વિસ્તારમાં ઘરે-ઘરે જઈને બીમાર લોકોના સેમ્પલ એકત્ર કરવાનું શરૂ કર્યું છે.

સ્થાનિક લોકોનો આરોપ છે કે નર્મદાના પાણીની પાઈપલાઈન ગટરોની વચ્ચેથી પસાર થતી હોવાને કારણે ગટરની ગંદકી પીવાના પાણીમાં ભળી રહી છે. પાણીમાં આવતી દુર્ગંધ અને ડહોળુંપણું આ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે. જોકે, વહીવટીતંત્ર દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં હજુ સુધી આવું કોઈ લીકેજ મળી આવ્યું નથી.

મોડી રાત્રે ધારાસભ્ય ઉષા ઠાકુરે પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે રહેવાસીઓ સાથે વાત કરીને તેમની હાલત જાણી હતી અને પાણી ઉકાળીને પીવાની સલાહ આપી હતી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે જો પીવાના પાણીની પાઈપલાઈન ગટરમાંથી પસાર થતી હોય તો તેને તાત્કાલિક બહાર કાઢવામાં આવે.