India

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું, 5 મહિના અગાઉ ઉદઘાટન થયું હતું

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
મંગળવારે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે વરસાદથી ટર્મિનલ-પાર્કિંગ માર્ગ પર પાણી ભરાયું હતું. જોકે, એરપોર્ટ પ્રશાસને 30 મિનિટમાં પાણીનો નિકાલ કરી સ્થિતિ થાળે પાડી. વાહનો વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરાયા, છતાં ફ્લાઈટ ઓપરેશન ચાલુ રહ્યું. આશરે ₹11,200 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટ પર પાણી ભરાતા AAPએ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું, 5 મહિના અગાઉ ઉદઘાટન થયું હતું

Noida International Airport Waterlogging: મંગળવારે અચાનક થયેલા ભારે વરસાદને કારણે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ અને પાર્કિંગ વિસ્તારને જોડતા માર્ગ પર પાણી ભરાઈ ગયું હતું. જોકે, પાણી ભરાવાની આ ઘટના સામે આવતા જ એરપોર્ટ પ્રશાસને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને માત્ર 30 મિનિટની અંદર જ પાણીનો નિકાલ કરીને પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

એરપોર્ટ ઓથોરિટીની ત્વરિત કાર્યવાહી અને ફ્લાઈટ ઓપરેશન યથાવત

એરપોર્ટ ઓથોરિટીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, જળબંબાકારની સ્થિતિ દરમિયાન વાહનોને વૈકલ્પિક રસ્તેથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જેના કારણે વિમાની સેવાઓ કે મુસાફરોની અવરજવર પર કોઈ વિપરીત અસર પડી નથી અને હાલ એરપોર્ટ પર સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે.

અચાનક પડેલા ભારે વરસાદને કારણે ટર્મિનલ અને પાર્કિંગ વચ્ચે પાણી ભરાયું હતું, પરંતુ એરપોર્ટ ટીમોએ સક્રિયતા દાખવીને અડધા કલાકથી પણ ઓછા સમયમાં પાણી સાફ કરી દીધું હતું. આ સમયગાળા દરમિયાન ફ્લાઈટ્સ અને પેસેન્જર પિક-અપ સુચારૂ રીતે ચાલુ રહ્યું હતું. પાણીનો નિકાલ થયા બાદ વાહનો અને મુસાફરો માટે રસ્તો ફરીથી શરૂ કરી દેવાયો છે, તેમ છતાં પ્રશાસન હવામાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતાં આમ આદમી પાર્ટીના પ્રહાર

બીજી તરફ, એરપોર્ટ પર પાણી ભરાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી (AAP)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. AAPએ આરોપ લગાવ્યો હતો કે, આશરે ₹11,200 કરોડના ખર્ચે બનેલા આ એરપોર્ટની પહેલા જ વરસાદમાં પોલ ખૂલી ગઈ છે. પાર્ટીએ આ ઘટનાને નબળા બાંધકામ અને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું હતું.

28 માર્ચે થયું હતું ઉદ્ઘાટન અને 15 જૂનથી શરૂ થઈ છે કામગીરી

ઉલ્લેખનીય છે કે, આશરે ₹11,200 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન 28 માર્ચ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 15 જૂનથી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ્સની શરૂઆત સાથે અહીં કોમર્શિયલ કામગીરી અને ઉડાન સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું.