CEO Exposes Air India Worst Experience: એર ઈન્ડિયા અવારનવાર તેની ખરાબ સેવાઓના લીધે ચર્ચામાં રહે છે. હાલમાં જ અમેરિકામાં રહેતાં ગુજરાતી મૂળના સીઈઓ અનિપ પટેલે એર ઈન્ડિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તેમણે બિઝનેસ ક્લાસની ફ્લાઈટમાં 15 કલાકની મુસાફરીનો અત્યંત ખરાબ અનુભવ રહ્યો હોવાનું જણાવ્યું છે. આ વીડિયોમાં એરલાઈનની શ્રેષ્ઠ સેવાઓ આપવાના પોકળ દાવાઓ ખુલ્લા પડ્યા હતા. વીડિયો વાયરલ થતાં એરલાઈને અનિપ પટેલને રિફંડ આપ્યું હતું.
Capatel Investmentsના સીઈઓ અનિપ પટેલે હાલમાં શિકાગોથી દિલ્હી સુધીની 15 કલાકની મુસાફરી એર ઈન્ડિયાની નોન-સ્ટોપ ફ્લાઈટમાં કરી હતી. આ મુસાફરી દરમિયાન અનિપને બિઝેસ ક્લાસમાં પણ થર્ડ ક્લાસ જેવી સેવાઓનો અનુભવ થયો હતો. વીડિયો વાયરલ થતાં જ એર ઈન્ડિયાએ અનિપને કોઈપણ સત્તાવાર ફરિયાદ નોંધ્યા વિના જ 6300 ડોલર (રૂ. 5.2 લાખ)નું રિફંડ આપ્યું હતું.
વીડિયોમાં કેપ્શન લખ્યુઃ ખૂબ ભયાનક સપનું
અનિપે વીડિયોમાં જણાવ્યું હતું કે, “મેં હાલમાં જ શિકાગોથી દિલ્હી માટે એર ઈન્ડિયાની નોન-સ્ટોપ ફ્લાઈટ લીધી હતી. યાત્રાનો અનુભવ જરા પણ સુખદ રહ્યો નહીં. એર ઈન્ડિયા વિશે ઘણી નેગેટિવ વાતો સાંભળી હતી, પરંતુ મને લાગ્યું કે, નવા મેનેજમેન્ટ બાદ એરલાઈન સેવાઓમાં સુધારો થયો હતો. પરંતુ દુર્ભાગ્યવશ એવુ કંઈ જ ન બન્યું. ફ્લાઈટમાં વાઈ-ફાઈ ન હતું. ફર્સ્ટ ક્લાસની સ્થિતિ દયનીય હતી. સ્વચ્છતા પણ ન હતી. કેબિનમાં ખૂબ જ કચરો અને ગંદકી હતી. દરેક ચીજ ખરાબ અથવા તૂટેલી હતી.
ફૂડ મેનુ ડિસન્ટ હતું, પરંતુ તેમાંથી અડધુ ફૂડ ઉપલબ્ધ જ ન હતું. 15 કલાકની ફ્લાઈટમાં એન્ટરટેઈનમેન્ટ નામે આપેલી સ્ક્રિન પણ કામ કરી રહી ન હતી.'' 1.91 લાખ ફોલોઅર્સ ધરાવતા અનિપ પટેલના આ વીડિયોને એક જ દિવસમાં 60 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા. વીડિયો પર અન્ય યુઝર્સે અનેક કમેન્ટ્સ કરી હતી.



