દિલ્હીમાં આજથી આ વાહનો 'ભંગાર' બન્યાં, પેટ્રોલ પંપ પર ઇંધણ નહીં મળે, નવી નીતિ લાગુ
No Fuel For Old Vehicles: આજથી દિલ્હીમાં એન્ડ-ઓફ-લાઇફ (EOL) નિયમ લાગુ થઈ ગયો છે. તેના અમલ પછી, દિલ્હીના પેટ્રોલ પંપ પર એન્ડ-ઓફ-લાઇફ (EOL) વાહનો એટલે કે આ વાહનોનું આયુષ્ય હવે સમાપ્ત થઈ ગયું માનવામાં આવશે આથી જૂના વાહનોને પેટ્રોલ-ડીઝલ મળશે નહીં. એન્ડ-ઓફ-લાઇફ (EOL) વાહનોમાં જે વાહનો નિર્ધારિત સમય કરતાં એટલે કે 15 વર્ષથી જૂની પેટ્રોલ કાર અને 10 વર્ષ જૂની ડીઝલ કારને ઇંધણ નહીં મળે. જોકે હાલ 15 વર્ષ જૂના સીએનજી વાહનોને રાહત આપવામાં આવી છે.
પેટ્રોલ પંપો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
જો કોઈપણ પેટ્રોલ પંપ પર પણ આ નિયમોનું પાલન નહીં થાય તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે કેટલાક એવા પેટ્રોલ પંપ પણ ઓળખી કાઢ્યા છે જ્યાં નિયમોનું ઉલ્લંઘન થવાની શક્યતા વધુ છે. આવા સ્ટેશનો પર ભારે પોલીસ દળ તૈનાત કરવાની યોજના છે. તાજેતરમાં, સરકારે આ નવા નિયમને અસરકારક રીતે લાગુ કરવા માટે સત્તાવાર રીતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કર્યા હતા. જેમાં પેટ્રોલ પંપ સંચાલકોને તમામ જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમથી થશે વાહનોની ઓળખ
આ વાહનોને સરળતાથી ઓળખવા માટે, તમામ પેટ્રોલ પંપ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જે કેમેરાની મદદથી વાહનની નંબર પ્લેટ પર નજર રાખશે. આવા વાહનોની ઓળખ થતાં જ સ્થળ પર હાજર પંપ એટેન્ડન્ટ વાહન માલિકને ઇંધણ આપવાનો ઇનકાર કરશે.
આ સાથે જ આ નવા નિયમ અંગે જાણકારી આપવા માટે ઓપરેટરોને પંપ પર આ પ્રતિબંધ વિષે ચેતવણી આપતા તમામ ચિહ્નો મુખ્ય રીતે પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ નિયમ શા માટે લાગુ કરવામાં આવ્યો?
આ નિયમને અમલમાં લાવીને રાજ્ય સરકાર રસ્તાઓ પરથી જૂના અને વધુ પ્રદૂષિત વાહનોને દૂર કરીને દિલ્હીમાં વાહનોનું પ્રદૂષણ ઘટાડવા માંગે છે. આ કડક નિયમો લાગુ કરીને, દિલ્હી સરકાર સ્વચ્છ હવાને પ્રોત્સાહન આપવાની અને આરોગ્ય ધોરણોમાં સુધારો કરવાનો પ્રયત્ન કરી રહી છે.