રેલવે ભાડું, આધાર-પાન અને ક્રેડિટ કાર્ડ... આજથી દેશમાં 5 ફેરફાર, જાણો ખિસ્સા પર કેટલો વધશે ભાર
New Rules 1 July 2025: દેશમાં પહેલી જુલાઈ 2025થી ઘણાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. જેની અસર તમામ લોકોના ખિસ્સા, મુસાફરી અને રોજિંદા જીવન પર પડશે. આધાર-પાન લિંકથી લઈને રેલવે ટિકિટ બુકિંગ, ક્રેડિટ કાર્ડ નિયમો અને બેન્ક ચાર્જ સુધી, દરેક જગ્યાએ નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. ત્યારે ચાલો આ ફેરફારોને સરળ શબ્દોમાં સમજીએ...
આધાર-પાન લિક હવે ફરજિયાત
પહેલી જુલાઈથી નવા પાન કાર્ડ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત થઈ ગયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના આ નિર્ણય હેઠળ જો તમે નવું પાન કાર્ડ મેળવવા જઈ રહ્યા છો, તો તમારે આધાર નંબર આપવો પડશે. બીજી તરફ જેમની પાસે પહેલાથી જ પાન કાર્ડ છે તેમણે 31મી ડિસેમ્બર 2025 સુધીમાં પોતાનો આધાર પાન સાથે લિંક કરાવવો પડશે, નહીં તો તેમનું પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ શકે છે.
અગાઉ ડ્રાઇવિંગ લાઈસન્સ કે જન્મ પ્રમાણપત્ર જેવા સરકારી દસ્તાવેજો પૂરતા હતા, પરંતુ હવે આધાર વગર નવું પાન કાર્ડ મેળવવું મુશ્કેલ બનશે. આ નિયમ તમારી ટેક્સ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે લાવવામાં આવ્યો છે.
આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી
અહેવાલો અનુસાર, સીબીડીટીએ આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈથી વધારીને 15મી સપ્ટેમ્બર કરી છે. એટલે કે, નોકરી કરતા લોકોને હવે 46 દિવસનો વધારાનો સમય મળશે. જો તમારા દસ્તાવેજો તૈયાર હોય, તો તમે રિટર્ન વહેલા ફાઇલ કરીને છેલ્લી ઘડીની ટેકનિકલ સમસ્યાઓથી બચી શકો છો.
રેલવેમાં તત્કાલ બુકિંગ અને ટિકિટના ભાવમાં ફેરફાર
ભારતીય રેલવે વિભાગે મુસાફરો માટે નવા નિયમો પણ લાગુ કર્યા છે. હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. ઉપરાંત15મી જુલાઈથી, ટિકિટ બુકિંગ (ઓનલાઈન અથવા ઓફલાઈન) માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન લાગુ થશે, જેમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
આ પણ વાંચો: સતત બીજા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત, આજથી નવા રેટ લાગુ
બીજી તરફ રેલવે ટિકિટના ભાવમાં થોડો વધારો થઈ ગયો છે. નોન-એસી કોચ માટે પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી કોચ માટે પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થયો છે. આ ઉપરાંત રિઝર્વેશન ચાર્ટ હવે ટ્રેનના પ્રસ્થાનના 8 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે, જેથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને અન્ય વ્યવસ્થા કરવા માટે સમય મળી શકે.
ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
SBI, HDFC અને ICICI જેવી મોટી બેન્કોએ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે. SBIએ તેના પ્રીમિયમ કાર્ડ (જેમ કે SBI Elite, Miles Elite અને Miles Prime)થી એર ટિકિટ ખરીદવા પર હવાઈ અકસ્માત વીમો બંધ કરી દીધો છે. આ ઉપરાંત માસિક બિલ માટે લઘુત્તમ રકમ (MAD)ની ગણતરી કરવાની પદ્ધતિ પણ બદલાશે.
HDFC બેન્કે ભાડાની ચુકવણી 10,000 રૂપિયાથી વધુની ઓનલાઈન કૌશલ્ય-આધારિત રમતો અને 50,000 રૂપિયાથી વધુની યુટિલિટી બિલ (વીમા સિવાય) પર એક ટકા ટ્રાન્ઝેક્શન ફી વસૂલવાનો નિર્ણય લીધો છે, જે પ્રતિ ટ્રાન્ઝેક્શન 4,999 રૂપિયા સુધી મર્યાદિત રહેશે. ડિજિટલ વોલેટમાં 10,000 રૂપિયાથી વધુ લોડ કરવા પર પણ આ જ ફી લાગુ પડશે.
ICICI બેન્કે ATM ટ્રાન્જેક્શન માટે નવા ચાર્જ પણ લાગુ કર્યા છે. ICICI ATM પર પહેલા પાંચ ઉપાડ મફત હશે, ટ્રાન્જેક્શન દરેક ઉપાડ માટે 23 રૂપિયા વસૂલવામાં આવશે. ICICI સિવાયના ATM પર મેટ્રો શહેરોમાં ત્રણ અને નાના શહેરોમાં પાંચ મફત ટ્રાન્જેક્શન પછી 23 રૂપિયા અને 8.5 રૂપિયા (નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન) વસૂલવામાં આવશે.
દિલ્હીમાં જૂના વાહનો પર પ્રતિબંધ
દિલ્હી સરકારે હવાને સ્વચ્છ રાખવા માટે પહેલી જુલાઈથી જૂના (End-of-Life) વાહનો પર ઈંધણ પ્રતિબંધ લાગુ કર્યો છે. આ અંતર્ગત દિલ્હીમાં 520 પેટ્રોલ અને ડીઝલ સ્ટેશનો પર ANPR કેમેરા લગાવવામાં આવ્યા છે, જે VAHAN ડેટાબેઝ સાથે વાહનોના રજિસ્ટ્રેશન નંબરની તપાસ કરશે. જો વાહન EoL શ્રેણીમાં આવે છે, તો તેને ઈંધણ મળશે નહીં.
નવા GST અને RBI નિયમો
ગુડ્સ અને સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN)એ જુલાઈથી GSTR-3B રિટર્નને નોન-એડિટેબલ બનાવ્યું છે. હવે આ રિટર્ન GSTR-1/1A ડેટામાંથી ઓટો-પોપ્યુલેટ થશે અને સબમિટ કર્યા પછી તેમાં ફેરફાર કરી શકાશે નહીં. ઉદ્યોગપતિઓ માટે આ એક મહત્ત્વપૂર્ણ ફેરફાર છે.
RBIએ ઈન્ટરબેન્ક કોલ મની માર્કેટનો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યાથી બદલીને સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી કર્યો છે. આનાથી બેન્કોને ભંડોળ ઉધાર લેવા અને ઉધાર આપવા માટે વધુ બે કલાક મળશે.