VIDEO: 'ગોળ ટોપી અને દાઢીવાળા મને મત આપતા નથી...', નિતેશ રાણેએ આપ્યું વિવાદસ્પદ નિવેદન
Nitesh Rane's Statement : મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં ભાજપ ક્વોટામાંથી મંત્રી બનેલા નિતેશ રાણેએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. નિતેશે નિવેદનમાં કહ્યું કે, 'ગોળ ટોપી પહેરનારા લોકો અમને મત આપતા નથી. હું હિંદુ મતદાતાઓના કારણે ચૂંટણી જીતીને આવ્યો છું અને મંત્રી બન્યો છું.'
નિતેશ રાણેએ શું કહ્યું?
રાણેએ કહ્યું કે, 'ગોળ ટોપી અને દાઢી વાળાએ મને મત આપ્યા નથી. હું હિંદુઓના મતથી ધારાસભ્ય બન્યો છું. હું હિંદુઓનું સમર્થન ન કરુ તો શું ઉર્દુ બોલનારાનું સમર્થન કરુ? મુંબઈનું DNA હિંદુ છે. અમે હિંદુ અને મરાઠી હોવાને લઈને ગર્વ અનુભવીએ છીએ.'
રાણેએ ઉદ્વવ અને રાજ ઠાકરે વિશે શું કહ્યું?
રાણેએ ઉદ્વવ ઠાકરે અને રાજ ઠાકરે પર નિશાનો સાધતા કહ્યું કે, 'જેવી રીતે જિહાદી સમાજને તોડવાની કોશિશ કરે છે, તેવી જ રીતે આ બંને કરી રહ્યા છે.' રાણેએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) અને સિમી જેવા સંગઠનોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, 'જેમ તેઓ હિન્દુ રાષ્ટ્રની વિભાવનાની વિરુદ્ધ કામ કરે છે, તેમ ઠાકરે બંધુઓ પણ તેનાથી અલગ નથી.'
રાણેએ આરોપ લગાવ્યો કે, 'થોડા દિવસ પહેલા ઠાકરે બંધુઓની વર્લી રેલી હિંદુઓ અને મરાઠી સમાજના ભાગલા કરવાને લઈને આયોજિત કરવામાં આવી હતી. આ રેલી AIMIM, PFI અને સિમીઓ રેલીઓ જેવી જ હતી.'