mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ખાલિસ્તાની આતંકી પન્નૂ સામે મોટી કાર્યવાહી, NIAએ દાખલ કર્યો કેસ, એર ઈન્ડિયાના મુસાફરોને આપી હતી ધમકી

આતંકી પન્નુએ એર ઈન્ડિયાના મુસાફરોને ધમકી આપતો વીડિયો જાહેર કર્યો હતો

NIAએ જાહેર કરેલા આતંકવાદી પન્નુ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો

Updated: Nov 20th, 2023

ખાલિસ્તાની આતંકી પન્નૂ સામે મોટી કાર્યવાહી, NIAએ દાખલ કર્યો કેસ, એર ઈન્ડિયાના મુસાફરોને આપી હતી ધમકી 1 - image

નવી દિલ્હી, તા.20 નવેમ્બર-2023, સોમવાર

ભારત સરકારે આતંકવાદી જાહેર કરેલા ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જર (Hardip Singh Nijjar)ની બ્રિટનમાં હત્યા થયા બાદ કેનેડા અને ભારત વચ્ચે વિવાદ (Canada India Controversy) ચાલી રહ્યો છે, ત્યારે એર ઈન્ડિયા (Air India)ના મુસાફરોને ધમકી આપવા મામલે NIA ખાલિસ્તાની સંસ્થા શિખ ફૉર જસ્ટિસ (SFJ)ના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ મોટી કાર્યવાહી હાથ ધરી કેસ દાખલ કર્યો છે. NIAએ જાહેર કરેલા આતંકવાદી પન્નુ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પન્નુએ એર ઈન્ડિયાના મુસાફરોને ધમકી આપતો વીડિયો જાહેર કર્યો હતો

વાસ્તવમાં તાજેતરમાં જ ગુરપતવંત સિંહ પન્નુનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવનારા મુસાફરોને ધમકી આપી હતી, ત્યારે મામલે એનઆઈએએ એક નિવેદન બહાર પાડી કહ્યું કે, પન્નુએ ચોથી નવેમ્બરે એક વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયોમાં તેણે શિખોને કહ્યું કે, તેઓ એર ઈન્ડિયાની 19 નવેમ્બરની અને ત્યારબાદની ફ્લાઈટમાં મુસાફરી ન કરે, કારણ કે તેમના જીવ પર ખતરો આવશે. એનઆઈએએ વધુમાં કહ્યું કે, પન્નુ ભારતમાં આતંકવાદી ઘટનાઓ વધારવા ખોટો માહોલ ફેલાવી રહ્યો છે. પન્નુ શિખ સમુદાય અને અન્ય ધાર્મિક જૂથો વચ્ચે નફરત વધારવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે.

ભારત સરકારે પન્નુ વિશે શું કહ્યું ?

ભારત અને અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ મંત્રી સ્તરની ચર્ચા બાદ તાજેતરમાં જ વિદેશ સચિવ વિન ક્વાત્રાએ કેનેડાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘અમારી મુખ્ય ચિંતા સુરક્ષા છે, તમે તાજેતરમાં જ ગુરપતવંત સિંહ પન્નુનો વીડિયો જોયો હશે, આનાથી ગંભીર સુરક્ષા ચિંતાઓમાં વધારો થઈ રહ્યો છે. અમે અમારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. અમને લાગે છે કે, તેઓ આ બાબતને સમજે છે.’ ઉલ્લેખનિય છે કે, ભારત સતત પન્નુ સહિત અન્ય ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની કેનેડા સરકારને માંગ કરી રહ્યું છે.

કેનેડાએ ભારત પર લગાવ્યો હતો આરોપ 

ઉલ્લેખનીય છે કે નિજ્જરની હત્યા વાનકુવરમાં કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપ ભારત પર લાગ્યો છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)એ આરોપ મૂક્યો હતો કે ભારતની ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ નિજ્જરની હત્યા કરી હતી. આ મામલે ટ્રુડોએ ભારતને તપાસમાં સહયોગ કરવા કહ્યું હતું અને તેના બાદથી જ કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વકર્યો હતો.

ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ કેવી રીતે વધ્યો? 

ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જર (45)ની કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં 18 જૂને એક ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ભારતે કેનેડામાં રહેતા નિજ્જરને જૂલાઈ 2020માં ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. નિજ્જરની હત્યા બાદ કેનેડાની સંસદમાં પીએમ ટ્રુડોએ આ આતંકીની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાનો દાવો કર્યો હતો. તેમણે ત્યાંની પાર્લામેન્ટમાં કહ્યું કે અમને એ વાતના પુરાવા મળ્યા છે કે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી છે. જેના બાદ ભારતે  કેનેડા પાસે પુરાવા માગ્યા પણ કંઈ મળ્યું નહીં. ટ્રુડોના નિવેદન બાદથી જ ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો હતો. 

Gujarat