Get The App

'પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો...', ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખો!

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
Maharashtra Car Policy


Maharashtra Car Policy: મહારાષ્ટ્રમાં હવે નવી કાર ખરીદતા પહેલા તેના પાર્કિંગ વિષે જાણકારી આપવી જરૂરી બની છે. જો તમારી પાસે કાર પાર્કિંગની જગ્યા હોય, તો જ તમારી નવી કારની નોંધણી થઈ શકશે. મહારાષ્ટ્ર સરકારે ટ્રાફિક કાબૂમાં રાખવા આ નવો નિયમ અમલી કર્યો છે. 

પાર્કિંગ નહીં - કાર નહીં

મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં વધતી જતી પાર્કિંગ કટોકટી અને ટ્રાફિકને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સોમવારે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી કાર ખરીદારો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાળવેલ પાર્કિંગ જગ્યાનો પુરાવો નહીં આપે ત્યાં સુધી નવા વાહનોની નોંધણી કરવામાં નહીં આવે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં વધતી જતી પાર્કિંગ કટોકટી અને ટ્રાફિક ભીડને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પાર્કિંગ અલોટમેન્ટ સર્ટીફીકેટ ન હોય તો વાહનનું રજિસ્ટ્રેશન નહિ થાય 

પરિવહન મંત્રી સરનાઈકે કહ્યું, 'અમે રાજ્યમાં નવા પાર્કિંગ સ્થળો બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ. વિકાસના નિયમોનું પાલન કરવું જરૂરી છે અને ફ્લેટ બનાવતી વખતે બિલ્ડરોએ પાર્કિંગ જગ્યા પૂરી પાડવી ફરજિયાત રહેશે. જો ખરીદનાર પાસે મ્યુનિસિપલ બોડી તરફથી પાર્કિંગ અલોટમેન્ટ સર્ટિફિકેટ ન હોય, તો તેના વાહનનું રજિસ્ટ્રેશન કરવામાં નહીં આવે.' 

મનોરંજન ક્ષેત્રો હેઠળ પાર્કિંગ પ્લાઝા બનાવાશે

પરિવહન મંત્રીએ એ કહ્યું કે, 'MMRમાં પાર્કિંગની ભારે અછત છે. આને ધ્યાનમાં રાખીને, રાજ્યનો શહેરી વિકાસ વિભાગ હવે ચોક્કસ નિયુક્ત મનોરંજન સ્થળો નીચે પાર્કિંગ પ્લાઝા બનાવવાની પરવાનગી આપવા પર કામ કરી રહ્યો છે.'

રાજ્યમાં પોડ ટેક્સી લાવવાની પણ તૈયારી 

સરનાયકે રાજ્યની બીજી એક મોટી યોજના, પોડ ટેક્સી નેટવર્કનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, 'આ પ્રોજેક્ટ અંગે મને એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત મેં વડોદરાની પણ મુલાકાત લીધી, જ્યાં વિશ્વની પ્રથમ કોમર્શિયલ સસ્પેન્ડેડ પોડ-કાર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે.'

પરિવહન મંત્રીએ એ પણ માહિતી આપી કે મહારાષ્ટ્ર સરકાર મીરા-ભાયંદર અને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં સમાન પોડ ટેક્સી સુવિધા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેનો ઉદ્દેશ્ય મેટ્રો નેટવર્ક સાથે કનેક્ટિવિટી સુધારવાનો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારના એક નિર્ણય સામે મરાઠા આંદોલનકારી ભડક્યાં, અજિત પવાર અને ફડણવીસને ચેતવણી

પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે દંડમાં પણ વધારો કરાયો

મહારાષ્ટ્ર સરકાર ઘણાં મહિનાઓથી આ નિયમ લાવવાનું વિચારી રહી હતી. નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગની સમસ્યાનો સામનો કરવા માટે, તેણે ઘણી જગ્યાએ ટુ-વ્હીલર માટે દંડ વધારીને ₹1800 અને કાર માટે ₹4000 સુધી કર્યો હતો. જોકે, પાર્કિંગની જગ્યાનો અભાવ અને રસ્તા પર કે ગમે ત્યાં વાહન પાર્ક કરવાની સમસ્યા ફક્ત મુંબઈ કે મહારાષ્ટ્રની સમસ્યા નથી.

દેશના મોટાભાગના મેટ્રો અને નોન-મેટ્રો શહેરો આ સમસ્યાથી પરેશાન છે. આ કારણોસર, પાર્કિંગને લઈને થતા ઝઘડાના વીડિયો અવારનવાર જોવા મળે છે. આવી સ્થિતિમાં, 'નો પાર્કિંગ-નો કાર' નીતિની જરૂર છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે જનતા આ નિયમ અંગે શું વલણ અપનાવે છે.

'પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો...', ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખો! 2 - image

Tags :