નકલી ખોપરી, ખોટા દાવા... ધર્મસ્થળ કેસમાં મોટો વળાંક, અનેક મહિલાઓને દાટી હોવાના દાવા કરતાં ફરિયાદીની જ ધરપકડ
AI Photo |
Dharmasthala Case: કર્ણાટકના મેંગલુરુના ધર્મસ્થલામાં મૃતદેહોને દફનાવવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. અહેવાલો અનુસાર, છેલ્લા બે દાયકામાં ધર્મસ્થલામાં અનેક હત્યાઓ, દુષ્કર્મ અને મૃતદેહોને દફનાવવાનો આરોપ લગાવનાર ફરિયાદીની શનિવારે આ આરોપોની તપાસ માટે રચાયેલી SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
નિવેદનો અને દસ્તાવેજોમાં ગડબડ બાદ ધરપકડ
અહેવાલો અનુસાર, SITના વડા પ્રણવ મોહંતીએ ફરિયાદીની લાંબી પૂછપરછ કરી અને શનિવારે તેમની ધરપકડ કરી. જોકે, SITએ ફરિયાદીનું નામ જાહેર કર્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ આપેલા નિવેદનો અને દસ્તાવેજોમાં ગડબડ મળી આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં SIT તપાસ ચાલુ છે. કલાકોની પૂછપરછ પછી, ફરિયાદીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
ધર્મસ્થળમાં મૃતદેહોને દફનાવવાનો દાવો
ફરિયાદી જે પૂર્વ સફાઈ કાર્યકર છે, તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ દાવો કર્યો હતો કે 'હું વર્ષ 1995થી 2014 દરમિયાન ધર્મસ્થળમાં કામ કરતો હતો અને ધર્મસ્થળમાં મહિલાઓ અને સગીરો સહિત અનેક મૃતદેહોને દફનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.' તેણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક મૃતદેહો પર જાતીય હુમલાના નિશાન હતા.'
SITએ ફરિયાદ બાદ ખોદકામ કર્યું
ફરિયાદ બાદ SITએ ધર્મસ્થલામાં નેત્રાવતી નદી કિનારે આવેલા જંગલ વિસ્તારોમાં અનેક સ્થળોએ ખોદકામ કર્યું, જ્યાં બે જગ્યાએથી કેટલાક હાડપિંજર મળી આવ્યા હતા.
ધર્મસ્થળનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો
કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે વિધાનસભામાં કહ્યું હતું કે 'જો SIT ફરિયાદીના આરોપો ખોટા હોવાનું જણાશે, તો કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી કરી શકાય છે. અત્યાર સુધી ફક્ત ખોદકામ જ થયું છે, તપાસ હજુ શરૂ પણ થઈ નથી અને વધુ ખોદકામની જરૂરિયાત અંગેનો નિર્ણય ફક્ત કેસની તપાસ કરી રહેલી SIT દ્વારા જ લેવામાં આવશે, સરકાર દ્વારા નહીં.'