12 કરોડ કેશ, રૂ.6 કરોડના ઘરેણાં... ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થયાના બીજા જ દિવસે કોંગ્રેસ ધારાસભ્યને ત્યાં દરોડા
ED Raid Congress Leade In Karnataka: સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયાના એક દિવસ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યને કે.સી. વીરેન્દ્રના ઘરે દરોડા પાડીને 12 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. આ ઉપરાંત ઈડીએ 6 કરોડ રૂપિયાના ઘરેણાં પણ જપ્ત કર્યા છે. નોંધનીય છે કે,ઈડીએ દેશભરમાં 31 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ગંગટોક, ચિત્રદુર્ગ જિલ્લો, બેંગલુરુ, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવાનો સમાવેશ થાય છે અને ગોવામાં પાંચ કેસિનો પર પણ દરોડા પાડ્યા હતા.
કે.સી. વીરેન્દ્રની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ
અહેવાલો અનુસાર, કર્ણાટકમાં ચિત્રદુર્ગથી કોંગ્રેસના ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. કે.સી. વીરેન્દ્રની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસર, ગોવામાં કેસિનોના વ્યવસાયમાં આ ધારાસભ્યનો હિસ્સો છે. તેઓ લગભગ પાંચ કેસિનોના માલિક છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કે.સી. વીરેન્દ્ર કિંગ567, રાજા567 વગેરે નામની ઘણી ઓનલાઈન સટ્ટાબાજીની સાઇટ્સ ચલાવતો હતો. આ ઉપરાંત આરોપીનો ભાઈ કે.સી. થિપ્પાસ્વામી દુબઈથી ત્રણ કંપનીઓ ચલાવે છે - ડાયમંડ સોફ્ટેક, ટીઆરએસ ટેક્નોલોજીસ અને પ્રાઇમ9 ટેક્નોલોજીસ. આ કંપનીઓ કોલ સેન્ટર સેવાઓ અને ગેમિંગ વ્યવસાય સાથે સંબંધિત છે. અન્ય એક ભાઈ કે.સી. નાગરાજ અને તેનો પુત્ર પૃથ્વી એન. રાજ પણ આ કામમાં સામેલ હોવાનું કહેવાય છે.
કર્ણાટકમાં અન્ય કોંગ્રેસના ધારાસભ્યના ઘરેથી 1.41 કરોડ રૂપિયા મળ્યા હતા
કર્ણાટકમાં એક અઠવાડિયામાં બે કોંગ્રેસના ધારાસભ્યો તપાસના દાયરામાં આવ્યા છે. 14મી ઓગસ્ટે ઈડીએ કોંગ્રેસના ધારાસભ્ય સતીશ કૃષ્ણા શૈલના ઘરેથી 1.41 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. ઈડીએ સતીશ કૃષ્ણા શૈલ અને તેના પરિવારના બેન્ક લોકરમાંથી 6.75 કિલો સોનાના દાગીના અને બિસ્કિટ જપ્ત કર્યા હતા.
આ પણ વાંચો: લદ્દાખમાં '3 ઈડિયટ્સ' ફેમ સોનમ વાંગચુકની સંસ્થાની જમીન ફાળવણી રદ
EDએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન મળેલા રોકડ અને સોના ઉપરાંત 14.13 કરોડની થાપણો ધરાવતા બેન્ક ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને ઘણાં મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ઈમેલ અને રેકોર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. સતીશ કૃષ્ણા શૈલ ઉત્તર કન્નડ જિલ્લાની કારવાર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.