સરકારી કર્મચારીઓના પગાર માટે હવે વેતન પંચ નહિ આવે...?


- કર્મચારીઓના પગારમાં હવેથી તેમના પરફોર્મન્સના આધાર પર વધારો કરવામાં આવે તેવી શક્યતા

નવી દિલ્હી, તા. 10 જૂન 2022, શુક્રવાર

કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલ સાતમા પગાર પંચ (7th Pay Commission) પ્રમાણે વેતન મળી રહ્યું છે. જોકે એવું બની શકે કે, પગાર વધારા માટે લાગુ કરવામાં આવેલું આ અંતિમ પગાર પંચ હોય. કેન્દ્ર સરકાર હવેથી કર્મચારીઓના પગાર માટે નવી ફોર્મ્યુલા લાગુ કરીને પગાર પંચની પ્રથા બંધ કરવા અંગે વિચારણા કરી રહી છે. પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીએ વર્ષ 2016માં આ નવી ફોર્મ્યુલા અંગે વાત કરી હતી પરંતુ તેમના અવસાન બાદ એ ફાઈલ અભેરાઈ પર ચઢાવી દેવાઈ હતી. 

એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકાર કર્મચારીઓના વેતન વધારા માટે પગાર પંચને બદલે કશુંક નવું લાવે તેવી શક્યતા છે. સરકાર આઠમું પગાર પંચ નહીં લાવે તેવી શક્યતા જણાઈ રહી છે. કર્મચારીઓના પગારમાં હવેથી તેમના પરફોર્મન્સના (Performance linked increment) આધાર પર વધારો થઈ શકે છે. સરકાર દ્વારા હાલ નવી ફોર્મ્યુલાના ફાયદા અને ગેરફાયદા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. 

અરૂણ જેટલીનો આઈડિયા

પગાર પંચના બદલે કર્મચારીઓના પગારમાં વધારા માટે તેમના પરફોર્મન્સના આધાર પર સેલેરી હાઈક આપવાનો વિચાર પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનો છે. તેમણે જુલાઈ 2016માં આ દિશામાં ઈશારો કરતા કહ્યું હતું કે, 'આપણે હવે પગાર પંચમાંથી (Pay Commission) બહાર આવીને હવે કર્મચારીઓ માટે પણ વિચારવું જોઈએ.'

વેતન નિર્ધારણ માટેની શક્યતા

સરકાર એ દિશામાં કામ કરી રહી છે કે, 68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 52 લાખ પેન્શનર્સ માટે એવી ફોર્મ્યુલા બનાવવામાં આવે જેમાં 50% DA થવા પર પગારમાં પોતાની જાતે જ વધારો થઈ જાય. આ પ્રક્રિયાને ઓટોમેટિકલી પે રિવિઝન નામ આપવામાં આવે તેવી શક્યતા છે. જોકે સરકારે હજુ પગાર પંચની સમાપ્તિ અને નવી ફોર્મ્યુલા લાગુ કરવા અંગે કોઈ જ અંતિમ નિર્ણય નથી લીધેલો અને હાલ આ મુદ્દો વિચાર-વિમર્શના તબક્કામાં જ છે. 

જાણો શું ફાયદો થશે

અરૂણ જેટલી ઈચ્છતા હતા કે, મધ્યમ સ્તરના કર્મચારીઓની સાથે-સાથે નિમ્ન સ્તરના કર્મચારીઓના વેતનમાં પણ સારો વધારો થવો જોઈએ. જો કે આ માટે ફોર્મ્યુલા બનાવવાનું હજું બાકી છે. જો આ નવી ફોર્મ્યુલા લાગુ થશે તો લેવલ મેટ્રિક્સ 1થી 5વાળા કેન્દ્રીય કર્મચારીઓનો બેઝિક પગાર લઘુત્તમ 21 હજાર રૂપિયા થઈ શકે છે. 


City News

Sports

RECENT NEWS