7 તારીખ પહેલા વેતન, મહિલાઓને પણ સમાન અવસરનો હક: નવા લેબર કોડમાં IT સેક્ટર માટે શું બદલાયું?

New Labour Code: કેન્દ્ર સરકારે ચાર નવા શ્રમ કાયદાઓ રજૂ કર્યા છે, જે દરેક કર્મચારી પછી ભલે તે નાના હોય કે મોટા, એમ દરેકના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે. કુલ 29 શ્રમ કાયદાઓનું નિરસન કરીને આ ચાર નવા કોડ અમલમાં મૂકવામાં આવ્યા છે. આ કાયદાઓ કર્મચારીઓને જોબ ગેરંટી, સમયસર પગાર, સામાજિક સુરક્ષા આપે છે અને મહિલાઓને તમામ કાર્યસ્થળો પર દરેક પ્રકારના કામ કરવાની છૂટ આપે છે.
આ કાયદાઓની અન્ય એક મહત્ત્વની જોગવાઈ એ છે કે, નવા લેબર કોડ હેઠળ 40 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને ફ્રી હેલ્થ ચેકઅપ પૂરું પાડવામાં આવશે. સામાજિક, ઔદ્યોગિક સંબંધો, વેતન અને વ્યવસાયિક સલામતીને લગતા કાયદાઓમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે. એવામાં જાણીએ કે આ ફેરફારોની IT સેક્ટરના કર્મચારીઓ પર શું અસર થશે.
લિંગ આધારિત અસમાનતા પર પ્રતિબંધ
નવા લેબર કોડ હેઠળ ભારત સરકારે IT સેક્ટર માટે નક્કી કર્યું છે કે, દર મહિનાની 7મી તારીખ સુધીમાં પગારની ચૂકવણી કરવી અનિવાર્ય છે. આ પગલું પગારની ચૂકવણીમાં વધારે પારદર્શિતા લાવશે અને કર્મચારીઓના વિશ્વાસને મજબૂત કરશે.
આ કાયદાની એક અન્ય મહત્ત્વની જોગવાઈ એ છે કે, તે લિંગ આધારિત પગારની અસમાનતાને દૂર કરીને સમાન કાર્ય માટે સમાન વેતનને પ્રોત્સાહન આપે છે. વધુમાં, આ કોડ મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાનો અધિકાર પણ આપે છે, જેથી તેઓ વધારે પગારની તકો મેળવવાથી વંચિત ન રહે.
નવા શ્રમ કાયદાના ફાયદા અને ઉદ્દેશો
નવા કાયદા હેઠળ, હવે ઉદ્યોગ-વિશિષ્ટ કોડ દ્વારા ઉત્પીડન, ભેદભાવ અને પગાર સંબંધિત તકરારોનો ઝડપી અને સમયસર ઉકેલ લાવવામાં આવશે. આ કાયદાનો સૌથી મોટો ફાયદો એ છે કે સામાજિક સુરક્ષાનો લાભ હવે માત્ર નિયમિત કર્મચારીઓ પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં નિશ્ચિત સમયગાળાના કર્મચારીઓ, તેમજ કોન્ટ્રાક્ટ, ગીગ અને પ્લેટફોર્મ પર કામ કરનારા શ્રમિકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા માળખામાં પહેલીવાર સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત ગ્રૂપ અને ફરજિયાત ઓફર લેટરની જોગવાઈ રજૂ કરાઈ છે. સાથે જ પ્લેટફોર્મ શ્રમિકોની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરવામાં આવી છે.
ભારતીય ઉદ્યોગ પરિસંઘ(CII)ના મહાનિર્દેશક ચંદ્રજીત બેનર્જીના જણાવ્યા અનુસાર, સરકારે 29 જૂના શ્રમ કાયદાઓ ઘટાડીને નિયમોનું પાલન સરળ બનાવ્યું છે. આનો મુખ્ય હેતુ શ્રમિકોની સુરક્ષા વધારવાનો અને ભારતને આંતરરાષ્ટ્રીય શ્રમ ધોરણો સાથે સુસંગત બનાવવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાયદાઓ કર્મચારીઓ અને ઉદ્યોગો બંને માટે વધારે સારું વેતન, મજબૂત સામાજિક સુરક્ષા, કાર્યસ્થળ પર વધુ સારી સલામતી અને એક ભરોસાપાત્ર વાતાવરણ ઊભું કરશે.
આ પણ વાંચો: દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના શહીદ પાયલટનો છેલ્લો વીડિયો સામે આવ્યો
શ્રમિકોની સુરક્ષા: મુખ્ય જોગવાઈઓ
આ કાયદાઓ અંતર્ગત, જોખમી ઉદ્યોગો અને ખાણોમાં કામ કરતાં શ્રમિકોને વિનામૂલ્યે વાર્ષિક આરોગ્ય તપાસનો લાભ મળશે. આ સુરક્ષા માત્ર આટલા પૂરતી સીમિત નથી; તેમાં MSME વર્કર્સ, બાગાયત મજૂરો, બીડી અને સિગાર મજૂરો, તેમજ મહિલાઓ અને યુવા શ્રમિકો માટે વ્યાપક સુરક્ષા પણ સામેલ છે. ખાસ કરીને, નિશ્ચિત અવધિના કર્મચારીઓ, ગીગ અને પ્લેટફોર્મ શ્રમિકોને હવે માન્યતા આપવી અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતના શ્રમ કાયદાના દૃષ્ટિકોણમાં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવે છે.

