દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના શહીદ પાયલટનો છેલ્લો વીડિયો સામે આવ્યો

Tejas Aircraft Crash: દુબઈ એર શો 2025ના અંતિમ દિવસે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભારતનું સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ LCA તેજસ પ્રદર્શન દરમિયાન ક્રેશ થયું હતું, જેમાં પાયલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ભારતીય વાયુસેના(IAF)એ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે.
દુર્ઘટનાના થોડા સમય પહેલાંનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠ, યુએઈમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલ અને વિદેશ મંત્રાલયના અધિક સચિવ અસીમ મહાજન સાથે દેખાય છે. દુબઈ પહેલાં પણ પાયલટે ગુવાહાટીમાં એર શોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શન દરમિયાન કાબૂ ગુમાવ્યો
આ ભયાનક અકસ્માત શુક્રવારે (21મી નવેમ્બર) બપોરે લગભગ 2:10 વાગ્યે (સ્થાનિક સમય) અલ મકતૂમ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર સર્જાયો હતો. તેજસ વિમાન એર શોમાં પ્રદર્શન માટે ઉડાન ભરી રહ્યું હતું. તે ઘણી વખત શો સ્થળ પરથી પસાર થયું અને નીચું પ્રદર્શન કરી રહ્યું હતું. જોકે, અચાનક વિમાને કાબૂ ગુમાવ્યો અને ઝડપથી જમીન પર પડી ગયું.
જમીન સાથે ટકરાતાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો. વાઇરલ થયેલા વીડિયો ફૂટેજમાં વિમાન બેરલ રોલ કરી રહ્યું હતું, પરંતુ પછી સંતુલન ગુમાવતું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: કોણ હતા દુબઈ એર શોમાં જીવ ગુમાવનારા પાયલટ નમંશ સ્યાલ? પત્ની પણ છે એરફોર્સમાં
IAFએ શોક વ્યક્ત કર્યો, તપાસના આદેશ
ભારતીય વાયુસેના (IAF) એ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. 'દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન IAFનું તેજસ વિમાન ક્રેશ થયું હતું. પાયલટને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું મૃત્યુ થયું હતું. IAF આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર સાથે ઊભું છે. અકસ્માતનું કારણ નક્કી કરવા માટે કોર્ટ ઑફ ઇન્ક્વાયરીની રચના કરવામાં આવી છે.' સ્વર્ગસ્થ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના રહેવાસી હતા.

