Get The App

ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
New Labour Code


New Labour Code: ભારતમાં કામ કરતા દરેક કર્મચારી માટે હવે સન્માન અને સુરક્ષાની ગેરંટી નક્કી થઈ ગઈ છે. શ્રમ અને રોજગાર તેમજ યુવા અને ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ 21 નવેમ્બરના રોજ જાહેરાત કરી કે દેશમાં નવા લેબર કોડ્સ (શ્રમ સંહિતા) લાગુ થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પગલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કર્મચારીઓના હિતમાં ઉઠાવવામાં આવેલું મોટું પગલું ગણાવ્યું. 

મોદી સરકારે શ્રમ સુધારાઓના આ સૌથી મોટા પગલા હેઠળ, જૂના 29 શ્રમ કાયદાઓને સમાપ્ત કરીને 21 નવેમ્બરથી ચાર નવા લેબર કોડ્સ સમગ્ર દેશમાં લાગુ કર્યા છે. સરકારના મતે, આ ફેરફાર 'આત્મનિર્ભર ભારત'ની દિશામાં એક ઐતિહાસિક સુધારો છે, જે દેશની રોજગાર વ્યવસ્થા અને ઔદ્યોગિક પ્રણાલીને નવી વ્યાખ્યા આપશે. આ નવા નિયમો દ્વારા દેશના 40 કરોડથી વધુ શ્રમજીવીઓને સામાજિક સુરક્ષાનું કવચ મળશે, જે અગાઉ ક્યારેય શક્ય નહોતું.

નવા લેબર કોડ્સની મુખ્ય આધુનિક જોગવાઈઓ 

1. આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. દેશમાં અગાઉના જે શ્રમ કાયદાઓ લાગુ હતા, તેમાંથી ઘણા કાયદાઓ 1930થી 1950ની વચ્ચે રચાયેલા હતા. તે જૂના કાયદાઓમાં ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્કર્સ અને પ્રવાસી શ્રમિકો જેવી આધુનિક કાર્યશૈલીનો બિલકુલ ઉલ્લેખ નહોતો. હવે, નવા લેબર કોડ્સ આ તમામ પ્રકારના શ્રમજીવીઓને કાનૂની સુરક્ષા આપે છે.

2. નવા નિયમો હેઠળ, નિમણૂક પત્ર(Appointment Letter) ફરજિયાત બન્યો છે અને સમયસર વેતનની ગેરંટી આપવામાં આવી છે અને લઘુત્તમ વેતન સમગ્ર દેશમાં લાગુ થશે. આ પગલાંથી રોજગાર પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે.

3. કર્મચારીઓ માટે મફત સ્વાસ્થ્ય તપાસની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં હવે, 40 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને વર્ષમાં એકવાર મફત સ્વાસ્થ્ય તપાસ (હેલ્થ ચેકઅપ) આપવામાં આવશે. આ ઉપરાંત, ખાણકામ, કેમિકલ અને કન્સ્ટ્રક્શન જેવા જોખમી કાર્યક્ષેત્રોમાં કામ કરનારાઓને સંપૂર્ણ સ્વાસ્થ્ય સુરક્ષાની ગેરંટી આપવામાં આવી છે.

4. પહેલા 5 વર્ષની નોકરી પછી મળતી ગ્રેચ્યુઇટી હવે માત્ર એક વર્ષની કાયમી નોકરી પછી જ મળશે. આ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે એક મોટો ફાયદો છે.

5.  મહિલાઓ હવે તેમની સહમતિ અને સુરક્ષા સાથે નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે. સમાન વેતન અને સુરક્ષિત કાર્યસ્થળની ગેરંટી પણ નવા કોડમાં શામેલ છે. ટ્રાન્સજેન્ડર કર્મચારીઓને પણ સમાન અધિકારો મળ્યા છે.

6. ટેક્સી ડ્રાઇવર, ફૂડ ડિલિવરી પાર્ટનર, એપ-આધારિત વર્કર્સ હવે સામાજિક સુરક્ષા લાભ મેળવશે. એગ્રીગેટર્સએ તેમના ટર્નઓવરનું 1-2% યોગદાન આપવું પડશે. UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) લિંક હોવાથી રાજ્ય બદલવા પર પણ લાભો ચાલુ રહેશે.

7. કર્મચારીઓને હવે ઓવરટાઇમનો પગાર ડબલ મળશે. આનાથી ઓવરટાઇમ પેમેન્ટમાં પારદર્શિતા સુનિશ્ચિત થશે.

8. હવે કોન્ટ્રાક્ટ વર્કર્સને પણ લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા અને કામની ગેરંટી મળશે. પ્રવાસી અને અસંગઠિત ક્ષેત્રના કામદારો પણ સુરક્ષા માળખામાં શામેલ થશે.

9. સિંગલ લાઇસન્સ અને સિંગલ રિટર્ન સિસ્ટમ લાગુ થશે. આનાથી કંપનીઓનો પાલનનો બોજ ઓછો થશે અને ઉદ્યોગોને લાલફીતાશાહીમાંથી રાહત મળશે.

10. હવે ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર સિસ્ટમ લાગુ થશે, જ્યાં અધિકારીઓ દંડાત્મક કાર્યવાહીને બદલે માર્ગદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરશે. બે-સદસ્યીય ટ્રિબ્યુનલ બનાવવામાં આવશે જેથી કર્મચારીઓ સીધી ફરિયાદ નોંધાવી શકે.

આ પણ વાંચો: બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી

સરકારનું કહેવું છે કે નવા લેબર કોડ્સ વિકસિત ભારત 2047ના લક્ષ્યની દિશામાં મજબૂત આધાર તૈયાર કરશે. આ સુધારાઓ Code on Wages 2019, Industrial Relations Code 2020, Social Security Code 2020 અને Occupational Safety, Health and Working Conditions Code 2020 હેઠળ લાગુ કરવામાં આવ્યા છે.

ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ 2 - image
Tags :