બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી

Bengaluru Murder: બેંગ્લુરુમાંથી એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. એક યુવકે પોતાના નાના ભાઈના હિંસક અને ગુનાહિત વર્તનથી કંટાળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. આરોપીએ યુવકે પોતાના મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે તેના ભાઈની કારમાં હત્યા કરી અને તેની લાશ નદી કિનારે ફેંકી દીધી હતી.
મૃતક યુવકની ઓળખ 24 વર્ષીય ધનરાજ તરીકે થઈ છે. આરોપી ભાઈની ઓળખ 28 વર્ષીય શિવરાજ તરીકે થઈ છે, જે મૂળ કલબુર્ગી જિલ્લાનો રહેવાસી છે.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, મૃતક યુવક ધનરાજ કલબુર્ગીમાં પોતાના માતા-પિતા સાથે રહેતો હતો. ધનરાજ ચોરી, દારૂનું સેવન અને વારંવાર ઝઘડા જેવા આરોપોમાં સામેલ રહેતો હતો. તે વારંવાર પોતાના માતા-પિતા સાથે મારપીટ કરતો હતો. તે પોતાના મોટા ભાઈ શિવરાજ સાથે પણ મારપીટ કરી ચૂક્યો છે. આટલું જ નહીં પાડોશીઓએ પણ મોબાઈલ અને પશુઓની ચોરીની ફરિયાદ કરી હતી.
આવી રીતે ઘટનાને આપ્યો અંજામ
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટનાને અંજામ આપતા પહેલા શિવરાજે ધનરાજને બન્નેરઘટ્ટા NICE રોડ જંકશન પાસે એક કારમાં બેસાડ્યો. શિવરાજની સાથે તેના બે મિત્રો પણ હતા. ધનરાજ કારની આગળની સીટ પર બેઠો હતો અને ફોન જોઈ રહ્યો હતો, ત્યારે સંદીપ અને પ્રશાંતે તેને પાછળથી પકડી લીધો. પછી શિવરાજે ધારદાર હથિયારથી તેવી ગરદન પર હુમલો કર્યો, જેનાથી કારની અંદર જ તેનું મોત થઈ ગયું.
ત્યારબાદ મૃતદેહને બન્નેરઘટ્ટા-કગ્ગલીપુરા રોડ પર એક નદી કિનારે ફેંકી દીધો. પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ કારની મેટ અને હથિયાર ઈલેક્ટ્રોનિક સિટી NICE રોડ નજીક ફેંકી દીધા. ચાર દિવસ પછી 6 નવેમ્બરના રોજ મૃતદેહ મળી આવ્યો.
આવી રીતે થયો ખુલાસો
પોલીસને શરૂઆતમાં શંકા હતી કે તે અકુદરતી મૃત્યુ છે. જોકે, નજીકની એક પ્રાઈવેટ કંપનીના સીસીટીવી ફૂટેજમાં કાર રોકીને મૃતદેહ ફેંકતા દેખાય આવ્યા, જે મહત્વપૂર્ણ પુરાવો બન્યો. ત્યારબાદ ગાડી નંબરના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી. ત્રણેય સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

