Get The App

Explainer: ફેસ ઓથેન્ટિકેશન અને યુઝરની મંજૂરી માટે નવો આધાર નિયમ શું છે, જાણો સંપૂર્ણ વિગત

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
Explainer: ફેસ ઓથેન્ટિકેશન અને યુઝરની મંજૂરી માટે નવો આધાર નિયમ શું છે, જાણો સંપૂર્ણ વિગત 1 - image


New Aadhaar Face Authentication: ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ નવા આધાર નિયમોને વધુ ચોક્કસ રીતે જાહેર કરવાની સાથે એમાં કેટલાક સુધારા પણ કર્યા છે. આ નિયમ અનુસાર ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા માટે યુઝરની પરવાનગી લેવી પડશે તેમ જ એનો ઉપયોગ કરવામાં ઘણી મર્યાદાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ હેઠળ રજૂ કરવામાં આવ્યો છે. એનાથી આધારનો ઉપયોગ સરકારી સર્વિસ સિવાય પ્રાઇવેટ કંપની પણ કાયદેસર રીતે એનો ઉપયોગ કરી શકશે.  

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા હાલમાં નવી આધાર એપને ડિઝાઇન કરવામાં આવી રહી છે. એના દ્વારા યુઝર આધાર આધારિત આઇડેન્ટિટી ચેકનો ઉપયોગ કરી શકશે. એટલે કે કોઈ ઇવેન્ટમાં એન્ટ્રી માટે, હોટેલમાં ચેક-ઇન માટે, કોઈ ડિલિવરી માટે વગેરે જેવી સર્વિસ માટે હવે આધારનો ઉપયોગ કરી શકાશે.

નવા નિયમથી શું બદલાવ આવશે?  

બાયોમેટ્રિક્સ અને વન-ટાઇમ-પાસવર્ડની સાથે હવે નવા નિયમને કારણે ફેસ ઓથેન્ટિકેશન પણ આધાર ઓથેન્ટિકેશન માટે માન્ય ગણાશે. અત્યાર સુધી ફેસ વેરિફિકેશન ફક્ત સરકાર માટે જ ઉપયોગ કરી શકાતું હતું, પરંતુ હવે એને પ્રાઇવેટ કંપનીઓ પણ એક્સેસ કરી શકશે. આ નિયમને કારણે ઓફલાઇન ઓથેન્ટિકેશન પણ હવે સખત બન્યું છે. હવે સેન્ટ્રલ ડેટાબેઝ પાસે હંમેશાં વેરિફિકેશન કરાવવાની જરૂર નહીં પડે.

કેમ જરૂર પડી ફેસ ઓથેન્ટિકેશનની?  

ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેનર જ્યારે મદદરૂપ ન બને ત્યારે ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી શકાય છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા અનુસાર ડિવાઇસ પર જે ફેશિયલ વેરિફિકેશન કરવામાં આવશે એને પ્રૂફ ઑફ પ્રેઝન્સ એટલે કે વ્યક્તિ પોતે હાજર છે એ રીતે ગણવામાં આવશે. એનો અર્થ એ થશે કે આધાર ધરાવનાર વ્યક્તિ શારીરિક રીતે ત્યાં હાજર છે. આ માટે આધારના સર્વર પર બાયોમેટ્રિક ટ્રાન્સફર કરવાની પણ જરૂર નથી. ડિજીયાત્રા જે રીતે કામ કરે છે એ જ રીતે હવે આધાર એપ પણ કામ કરશે. જોકે આ ઍપ્લિકેશન ઍરપોર્ટની બહારના તમામ ઇવેન્ટ અને આઇડેન્ટિટી ચેક પર કામ કરી શકશે.

પ્રાઇવસીને લઈને સવાલ?  

આધાર ઓથેન્ટિકેશન માટે હવે ફેશિયલનો સમાવેશ કરવામાં આવી રહ્યો હોવાથી હવે એના નિયમને પણ કડક બનાવવામાં આવ્યા છે. આ ઓથેન્ટિકેશનનો ઉપયોગ ચોક્કસ કારણસર કરવામાં આવી રહ્યો હોવો જોઈએ. તેમ જ એ માટે યુઝરની પરવાનગી જરૂરી છે. આ માટે ઓછામાં ઓછા ડેટાનો એક્સેસ કરવો. આ નિયમને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ હેઠળ બનાવવામાં આવ્યો છે. આથી કંપનીઓ વધુ પડતાં ડેટાનો ઉપયોગ નહીં કરી શકે તેમ જ એનો દુરુપયોગ પણ નહીં કરી શકે.  

આ નવા નિયમ અનુસાર આધાર ધરાવનાર વ્યક્તિ આ વિનંતીનો સ્વીકાર અથવા તો અસ્વીકાર બન્ને કરી શકે છે. તેમ જ ફોટો અને ઉંમર વગેરે માહિતીને સિલેક્ટ કરીને શેર કરી શકે છે. દરેક માહિતી આપવાની જરૂર નથી.

કાયદામાં રહીને પ્રાઇવેટ કંપની એનો ઉપયોગ કરી શકશે  

પ્રાઇવેટ સેક્ટરમાં હવે આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવું શક્ય બન્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલીક કંપનીઓ વન-ટાઇમ-પાસવર્ડ દ્વારા યુઝરની તમામ માહિતીઓ એકત્ર કરી લેતા હતા. તેઓ સરકારી નિયમને બાયપાસ કરી દેતા હતા. આથી એ કાર્યને ગેરકાયદેસર ગણવામાં આવતું હતું. એને હવે અટકાવવા માટે સરકાર દ્વારા યુઝરને જ માહિતી પસંદ કરવાનો વિકલ્પ આપી દીધો છે.

આ પણ વાંચો: એપલે લોન્ચ કર્યું નવું ફીચર, વીડિયો કોલ વખતે મેકબુકની સ્ક્રીન બની જશે સ્માર્ટ લાઇટ

આધાર એપ સાથે એને લિંક કેવી રીતે કરવામાં આવશે?  

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે નવી આધાર એપને હાલમાં ડિઝાઇન કરવામાં આવી રહી છે. એમાં આ નિયમનો બદલાવ કરવામાં આવ્યો છે એ આધારિત ઍપ્લિકેશન કામ કરશે. યુઝરની ડિવાઇસમાં જ આધારે ક્રેડેન્શિયલનો સમાવેશ કરવામાં આવશે. આ દ્વારા યુઝર QR કોડ અથવા તો ઓફલાઇન ફેસ ઓથેન્ટિકેશન પણ કરી શકશે.

Tags :