'અમે RBI ઑફિસર છીએ, રોકડા જમા કરો', બેંગલુરુમાં ફિલ્મી સ્ટાઇલમાં રૂ. 7 કરોડની લૂંટ

Bengaluru Heist: કર્ણાટકની રાજધાની બેંગલુરુના રસ્તાઓ પર બુધવારે (19મી નવેમ્બર) એક ચોંકાવનારી ઘટના બની હતી. પાંચથી છ જેટલા શખસોએ પોતાની જાતને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)ના અધિકારીઓ તરીકે રજૂ કરીને એક બખ્તરબંધ કેશ વાનમાંથી 7.1 કરોડ રૂપિયાની માતબર રકમની ચોરી કરી હતી. આ આખી લૂંટની કામગીરી એટલી કાળજીપૂર્વક રીતે કરવામાં આવી હતી કે તેમાં માત્ર અડધો કલાકનો સમય લાગ્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, બુધવારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ CMS ઇન્ફો સિસ્ટમ્સની કેશ વાન HDFC બૅન્કથી ત્રણ કેશ બોક્સ લઈને HBR લેઆઉટ તરફ જઈ રહી હતી. જયનગરમાં અશોક પિલર નજીક એક કારે વાનને અચાનક રોકી, જેની પાછળ એક ઇનોવા (MUV) પણ આવી ગઈ. કારમાંથી ત્રણ લોકો બહાર નીકળ્યા અને વાન સ્ટાફ ડ્રાઇવર વિનોદ કુમાર, કસ્ટોડિયન આફતાબ, અને બે બંદૂકધારી રાજન્ના અને તમૈયાને કહ્યું, 'અમે RBI અધિકારીઓ છીએ. તમારી કંપની પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે અને અમારા નિવેદનો લેવાના છે.' સ્ટાફે શંકા ન થતાં તેમની રાઇફલો વાનમાં છોડી દીધી અને આરોપીઓ સાથે MUVમાં ચઢી ગયો.
બંદૂકની અણીએ રોકડની લૂંટ
મોટી કારમાં આવેલા આરોપીઓએ સ્ટાફને જણાવ્યું કે તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન જવું પડશે અને રોકડ પેટીઓ RBI ઑફિસમાં લઈ જવામાં આવશે. આરોપીઓએ સ્ટાફને પગપાળા સિદ્ધપુર પોલીસ સ્ટેશન મોકલ્યો. ડ્રાઇવર વિનોદને અલગ સૂચના મળી કે વાન લઈને ડેરી સર્કલ ફ્લાયઓવર પર રાહ જુઓ. ડ્રાઇવર વિનોદ રાહ જોઈ રહ્યો હતો ત્યારે આરોપીઓ ત્યાં પહોંચ્યા, બંદૂક બતાવીને વાનમાંથી રોકડ બોક્સ કાઢ્યા અને નજીકમાં પાર્ક કરેલી અન્ય કારમાં મૂકી દીધા. જે કારમાં તે આવ્યા હતા તે છોડીને આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ડ્રાઇવરને ખ્યાલ ન આવ્યો કે તે અધિકારીઓ નહીં પણ લૂંટારુ હતા.
ફરિયાદમાં વિલંબ, 8 ટીમો તપાસમાં
બેંગલુરુ પોલીસ કમિશ્નર સીમંત કુમાર સિંહે જણાવ્યું હતું કે 'CMS કંપનીએ ફરિયાદ દાખલ કરવામાં વિલંબ કર્યો, જેના કારણે સમયનો બગાડ થયો. આ કેસની તપાસ માટે આઠ ટીમો તૈયાર કરવામાં આવી છે.' એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે MUVના આગળના ભાગમાં 'ભારત સરકાર'નો લોગો હતો, જોકે તપાસમાં બહાર આવ્યું છે કે તેની નંબર પ્લેટ પણ નકલી હતી. પોલીસ લૂંટારુઓને પકડવા અને 7.1 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવા માટે સઘન તપાસ કરી રહી છે.

