‘આવા કપરા દિવસો ક્યારેય જોયા નથી’, દિલ્હીમાં આંદોલનોથી વેપારીઓ ત્રસ્ત, નુકસાનીના આંકડા સાથે વ્યથા ઠાલવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Market Protest Losses : દિલ્હીમાં તહેવારોની મોસમ વચ્ચે યોજાઈ રહેલા વિવિધ વિરોધ પ્રદર્શનો અને રેલીઓને કારણે દેશની રાજધાનીના મુખ્ય વેપાર-ધંધા પર અત્યંત ગંભીર અસર પડી છે. કનોટ પ્લેસ, ચાંદની ચોક, બંગાળી માર્કેટ સહિતના વિસ્તારોમાં વેપારીઓએ કરોડો રૂપિયાનું આંધણ કરીને તહેવારોનો સ્ટોક ભર્યો હતો, પરંતુ સતત ચાલતા આંદોલનો અને રાજકીય માર્ચને લીધે બજારો સુમસામ બનતા વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ ગઈ છે. દિલ્હીના તમામ અગ્રણી વેપારી સંગઠનોએ પ્રશાસન અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.
ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીએ કેન્દ્રીય ગૃહમંત્રીને લખ્યો પત્ર
ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)ના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ અડલખાએ જણાવ્યું છે કે 16 ઓક્ટોબરના રોજ યોજાનાર વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેમના એસોસિએશને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે અગાઉ 10 તારીખના વિરોધ પ્રદર્શનમાં વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને વેપારીઓને રૂ. 2,000 કરોડથી વધુનું નુકસાન વેઠવું પડ્યું હતું. જો ફરીથી આવું થશે તો વેપાર સંપૂર્ણપણે ભાંગી પડશે.
કનોટ પ્લેસમાં દૈનિક રૂ. 100 કરોડનું નુકસાન: NDTA પ્રમુખ અતુલ ભાર્ગવ
નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશન (NDTA)ના પ્રમુખ અતુલ ભાર્ગવે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે કનોટ પ્લેસ, જનપથ, પાલિકા બજાર, મોહન સિંહ પ્લેસ, મ્યુનિસિપલ માર્કેટ અને શંકર માર્કેટ સહિતના વિસ્તારોમાં દરરોજ અંદાજે રૂ. 100 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 4 થી 5 દિવસમાં વેપાર સામાન્ય દિવસોની સરખામણીએ માત્ર 15થી 25% જેટલો જ રહ્યો છે. જે રેસ્ટોરન્ટમાં રોજના રૂ. 1.25 લાખથી રૂ. 1.5 લાખનું વેચાણ થતું હતું, ત્યાં માંડ રૂ. 10,000 થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેમની 56 વર્ષની ઉંમરમાં તેમણે આવા કપરા દિવસો ક્યારેય જોયા નથી અને જો આ સ્થિતિ ચાલુ રહેશે તો વેપારીઓ બરબાદ થઈ જશે.
બંગાળી માર્કેટમાં ધંધો 80% ઘટી ગયો
બંગાળી માર્કેટ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ મુકેશ ગુપ્તાએ જણાવ્યું કે જુલાઈ મહિનાથી તેમનો વેપાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આ માર્કેટમાં મંત્રીઓ અને હાઈ-પ્રોફાઈલ લોકો આવતા હોય છે, પરંતુ વિરોધ પ્રદર્શનોના કારણે સ્થાનિક વેપાર લગભગ શૂન્ય પર પહોંચી ગયો છે. એસોસિએશનના જનરલ સેક્રેટરી પ્રમોદ કુમાર ગુપ્તાએ ઉમેર્યું કે ધંધો 70 થી 80% ઘટી ગયો છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દશેરા અને દિવાળીની પીક સીઝન છે. જો વેપાર ઠપ રહેશે તો સરકારને GST અને ઇન્કમટેક્સની આવકમાં પણ મોટો ફટકો પડશે તેમજ વેપારીઓએ સ્ટાફની છટણી કરવાની ફરજ પડશે. તેમણે આવા પ્રદર્શનો શહેરની બહાર યોજવાની માંગ કરી છે.
વેપારીઓ દેવાળિયા બનવાનો ભય: દિલ્હી વેપાર મહાસંઘ
દિલ્હી વેપાર મહાસંઘના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેન્દ્ર કપૂરે જણાવ્યું કે તહેવારોની મોસમમાં રાજકીય પક્ષોના વિરોધ પ્રદર્શનોને કારણે અરાજકતાનો માહોલ સર્જાયો છે, જેના લીધે વેપાર કરવો અશક્ય બની ગયો છે. જે વેપારીઓએ લાખો-કરોડો રૂપિયાની મૂડી રોકી છે તેમની પાસે આ સીઝનનો માલ પડી રહેશે અને આગામી સીઝનમાં ફેશન-ડિઝાઇન બદલાઈ જવાથી તે વેચાશે નહીં. તેમણે ભય વ્યક્ત કર્યો કે ઘણા વેપારીઓ દેવાળિયા બની જશે અને હતાશામાં કોઈ આત્યંતિક પગલું પણ ભરી શકે છે.
દવા વેપારીઓ પહોંચ્યા કોર્ટના દ્વારે
દિલ્હી ડ્રગ ટ્રેડર્સ એસોસિએશનના સેક્રેટરી આશિષ ગ્રોવરે માહિતી આપી કે વારંવારના વિરોધ પ્રદર્શનોથી કંટાળીને વેપારીઓએ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી 26 ઓક્ટોબરના રોજ નિયત કરવામાં આવી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તહેવારો દરમિયાન જ આવા પ્રદર્શનો કેમ કરવામાં આવે છે. વેપારીઓના અંદાજ મુજબ જથ્થાબંધ બજારોમાં રોજના રૂ. 200 થી રૂ. 250 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. વિરોધ પ્રદર્શનો શાંતિપૂર્ણ રીતે શહેરની બહાર નિર્ધારિત સ્થળોએ યોજવા જોઈએ જેથી મુખ્ય બજારો પ્રભાવિત ન થાય.
કનોટ પ્લેસમાં કલમ 163 લાગુ, તિરંગા માર્ચ મુદ્દે ડ્રામા અને અટકાયતો
આ સમગ્ર હોબાળા વચ્ચે કનોટ પ્લેસમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત 'તિરંગા માર્ચ' પૂર્વે ભારે ડ્રામા સર્જાયો હતો. કનોટ પ્લેસ વિસ્તારમાં કલમ 163 લાગુ હોવાથી અને તિરંગા યાત્રા માટે NDMC ની કોઈ મંજૂરી ન હોવાથી દિલ્હી પોલીસે CJP પ્રમુખ અભિજિત દીપકેની સાવચેતીના ભાગરૂપે અટકાયત કરી હતી. પોલીસે મંડી હાઉસ ખાતેથી AISA નેતા નેહા બોરાની પણ અટકાયત કરી છે. બીજી તરફ, પોલીસે ફ્લેગ કોડનું ચુસ્ત પાલન કરવાની અને ફરજ પરના પોલીસકર્મીઓની અંગત વિગતો સોશિયલ મીડિયા પર શેર ન કરવાની કડક ચેતવણી આપી છે. સમગ્ર કનોટ પ્લેસ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ સહિત ભારે સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.




