સોશિયલ મીડિયા માટે નેપાળમાં ઠેર ઠેર હિંસા: 19ના મોત, 250 ઈજાગ્રસ્ત, ગૃહમંત્રીનું રાજીનામું
Nepal Gen-Z Protests Turn Deadly : નેપાળમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધના વિરોધમાં આજે હિંસક દેખાવો થયા હતા. જેમાં મોટા ભાગે શાળા અને કોલેજોમાં ભણતા યુવક યુવતીઓએ હજારોની સંખ્યામાં ભાગ લીધો. આ ઉગ્ર વિરોધને Gen-Z આંદોલન નામ આપવામાં આવ્યું છે. આ હિંસક આંદોલનમાં અત્યાર સુધી 19થી વધુના મોત થયા છે જ્યારે 250થી વધુ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે.
નેપાળના પાટનગર કાઠમાંડુમાં Gen-Z આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું અને યુવાનો સંસદ ભવનની અંદર ઘૂસી ગયા. ઠેર ઠેર તોડફોડ અને આગચંપી કરવામાં આવી. ધીમે ધીમે વિરોધની આગ નેપાળના અન્ય શહેરોમાં પણ ફેલાઈ. જે બાદ અનેક વિસ્તારોમાં કરફ્યુ લગાવવાના આદેશ અપાયા તથા સેના પણ તૈનાત કરવાની નોબત આવી હતી.
અત્યાર સુધીની તમામ મહત્ત્વની અપડેટ્સ
હિંસક આંદોલન બાદ નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે પદથી રાજીનામું આપ્યું
નેપાળના અનેક શહેરોમાં આગામી બે દિવસ શાળાઓ બંધ રાખવા આદેશ. 9, 10 અને 11 સપ્ટેમ્બરની તમામ પરીક્ષાઓ મોકૂફ
નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીના રાજીનામાંની માંગણી તેજ, તેમના નિવાસસ્થાનની સુરક્ષા વધારાઈ
આંદોલનકારી યુવાનોને નેપાળના સ્ટાર્સનું પણ સમર્થન. અભિનેત્રી કેકિ અધિકારી, વર્ષા રાઉત, વર્ષા શિવકોટિ, અણમોલ કેસી, પ્રદીપ ખડકા, ભોલારાજ સપકોટા, ગાયિકા એલિના ચૌહાણ, રચના રિમલ, સમીક્ષા અધિકારી સહિતના કલાકારોએ આંદોલનનું સમર્થન કર્યું
કાયદાનો ભંગ કરવો અને બંધારણનું સન્માન ન કરવું સ્વીકારી નહીં: નેપાળના PM કેપી શર્મા ઓલી
કરફ્યુમાં વધારો
કાઠમંડુમાં કરફ્યુના વિસ્તારોમાં વધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિના નિવાસ સ્થાનોથી માંડી સિંહદરબાર ક્ષેત્ર સુધી કરફ્યુ લાગુ થશે. વહીવટી તંત્રે રાષ્ટ્રપતિ ભવન (શીતલ નિવાસ ક્ષેત્ર), મહારાજગંજ, ઉપરાષ્ટ્રપતિ નિવાસ (લેનચેર), સિંહદરબાદ, વડાપ્રધાન નિવાસ (બાલુવાટાર) અને તેની આસપાસના વિસ્તારોમાં કરફ્યુ લાદવામાં આવ્યુ છે.
આંદોલનમાં એનજીઓ હામી નેપાળની મુખ્ય ભૂમિકા
યુવાનોના આંદોલનમાં એનજીઓ હામી નેપાળે મુખ્ય ભૂમિકા ભજવી છે. ડિસ્કોર્ડ ચેનલ્સ મારફત એનજીઓએ ઓનલાઈન આંદોલન માટે લોકોને ભેગા કર્યા હતા. VPN મારફત દેખાવકારો એનજીઓ સાથે જોડાયા. હામી નેપાળ સંગઠનની સ્થાપના 2015માં થઈ હતી. તે પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતો બાદ રાહત પ્રદાન કરવા માટે કામ કરે છે. ડિસ્કોર્ડ નેપાળમાં પ્રતિબંધિત ચેટ એપ છે.
PMને રાજીનામું આપવા દબાણ
આરએસપી સાંસદ સુમના શ્રેષ્ઠે નેપાળની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં વડાપ્રધાન કે.પી. ઓલી શર્માને રાજીનામું આપવા કહ્યું છે. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં તેમનું પદ પર રહેવુ યોગ્ય નથી. તેમીન પાસે નૈતિક આધાર નથી. તેઓએ તુરંત રાજીનામું આપી દેવુ જોઈએ. સાંસદના આ નિવેદનથી નેપાળના રાજકારણમાં હડકંપ મચ્યો છે.
અસામાજિક તત્ત્વો જોડાયાઃ નેપાળ સરકાર
નેપાળમાં Gen-Z દેખાવો મુદ્દે નેપાળ સરકારના પ્રવક્તા અને સૂચના અને ટેક્નોલોજી મંત્રી પૃથ્વી સુબ્બા ગુરંગે જણાવ્યું કે, આ આંદોલનમાં અસમાજિક તત્ત્વો જોડાયા છે. તેમનો ઉદ્દેશ સત્તા પર કબજો કરવાનો છે. આ આંદોલન સોશિયલ મીડિયા પુનઃસ્થાપિત કરવા તેમજ ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઈ સુધી સીમિત નથી. તેઓ પીએમની ખુરશી દૂર કરવા માગે છે.
PMનો આકરો આદેશ
નેપાળમાં Gen Z આંદોલન ઉગ્ર બન્યું છે. નેપાળની સરકારે આંદોલનકારીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. નેપાળના પીએમએ પોલીસ અને સુરક્ષા દળોને આંદોલનકારીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યા બાદ ઈમરજન્સી બેઠક બોલાવી છે.
આંદોલનકારીઓએ સંસદનો દરવાજો સળગાવ્યો
આંદોલનકારીઓએ સંસદનો દરવાજો તોડી નાખ્યો હતો. બાદમાં આંગ ચાંપી હતી. પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ હિંસક બનતાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. કાઠમંડુની હોસ્પિટલ ઈજાગ્રસ્તોથી ફૂલ થઈ છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થઈ હોવાથી મોતનો આંકડો વધવાની ભીતિ છે. એશિયા આઈસીસીએ નેપાળ પોલીસ અને દળોની કુમળા વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું હતું કે, નેપાળ પોલીસ અને સુરક્ષા દળોએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આંદોલન કરી રહેલા શાળાના ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો છે. બાળકો પર આ પ્રકારનો હુમલો નિંદાજનક છે. નેપાળ પોલીસ અને સુરક્ષા દળોના આ પગલાંની વિશ્વભરના માનવાધિકાર સંગઠનો ટીકા કરે છે.
નેપાળની આર્મી તૈનાત
દસ હજારથી વધુ Gen Z યુવાનોએ કાઠમંડુ, પોખરા, બુટવલ, ધારણ, ગોરાહી સહિતના શહેરોમાં વિરોધ રેલી યોજી હતી. તેઓ સુત્રોચ્ચાર કરી રહ્યા હતા કે, અમે આંદોલન કર્યું છે, અમે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડીશું. હજારોની સંખ્યામાં યુવાનોના ટોળા રસ્તા પર ઉતરી આવતા નેપાળી આર્મી તૈનાત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે હેતુ સાથે કાઠમંડુ સહિત અમુક વિસ્તારોમાં કરફ્યુનો અમલ કરવામાં આવ્યો છે.
નેપાળમાં Gen-Z રિવોલ્યૂશન શરૂ
કાઠમંડુના વિવિધ શહેરોમાં વડાપ્રધાન કેપી શર્મા ઓલી સરકાર વિરૂદ્ધ Gen-Z રિવોલ્યૂશન શરૂ થયુ છે. મૈતીઘર, કાઠમંડુ, અને અન્ય ટોચના શહેરોમાંથી હજારોની સંખ્યામાં યુવાનો ભ્રષ્ટાચાર અને સરકારના સોશિયલ મીડિયા પર અંકુશનો વિરોધ કરતાં રેલી યોજી રહ્યા છે. તેઓએ સરકાર પર નાગરિકોની આઝાદી છીનવી લેવાનો આરોપ મૂકતાં સુત્રોચ્ચાર કર્યા છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો
ફોન-ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત
આંદોલનકારીઓ મોટી સંખ્યામાં સુત્રોચ્ચાર કરતાં સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે કલાકો સુધી ફોન અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી હતી. ઉલ્લેખનીય છે, વડાપ્રધાન ઓલી સરકારે ચાર સપ્ટેમ્બરથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યૂબ, રેડિટ, X સહિત 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. જેનો Gen-Z દ્વારા મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે.
1995 બાદ જન્મેલા Gen Z 18થી 30 વર્ષ સુધીના યુવાનો ઈન્ટરનેટ અને ટેક્નોલોજી સાથે મોટા થયા છે. તેઓ ડિજિટલ નાગરિકો છે. જેઓ વૈશ્વિક ગતિવિધિઓ, ન્યાય અને સમાનતા માટેની જરૂરિયાતો પ્રત્યે સભાન છે. તેઓ નેપાળમાં શિક્ષિત લાયકાત ધરાવતા હોવા છતાં બેરોજગારીથી પીડાઈ રહ્યા છે. દાયકાઓથી તેમના માતા-પિતાએ સહન કરેલી નિરાશા, ગરીબીનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. કારણકે, રાજકારણીઓના પરિવાર વૈભવી જીવનનો આનંદ માણી રહ્યા છે. જ્યારે સામાન્ય યુવાનો કામની શોધમાં ભટકી રહ્યા છે. આ અસમાનતા દૂર કરવા સોશિયલ મીડિયા પર મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. સરકારની સોશિયલ મીડિયા પ્રતિબંધની કવાયત સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ આંદોલનને જ બંધ કરવા માગતી હોવાનો આક્ષેપ છે.
સોશિયલ મીડિયા પ્રતિબંધ સુધી સીમિત નથી આ આંદોલન
આ આંદોલન ફક્ત સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે વિરોધ દર્શાવતું નથી. તે દાયકાઓથી ચાલતા ભ્રષ્ટાચાર, અસમાન તકો અને નિષ્ફળ શાસન સામે લાંબા સમયથી દબાયેલા અવાજનો વિરોધ છે. મહેનતથી કમાયેલા પૈસા લાંચમાં ગાયબ થઈ રહ્યા છે. લોકો પાસે રોજગારી નથી. યુવા નેપાળીઓ વિદેશમાં કામ કરવા મજબૂર બન્યા છે. જ્યારે રાજકારણીઓના બાળકો મોંઘીદાટ કાર સાથે ઠાઠમાઠના જીવન જીવી રહ્યા છે. મોટાભાગના યુવાનો મહિનાના 25-30 હજાર રૂપિયા માટે ગલ્ફમાં નોકરી કરવા મજબૂર બન્યા છે. આ તમામ અસમાનતાની વિરૂદ્ધ આ આંદોલન છેડાયુ છે.