મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો
Akola Maharastra: મહારાષ્ટ્રના અકોલા શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 6 સપ્ટેમ્બરના રોજ બપોરે 4:30 વાગ્યે, ડાબકી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 16 વર્ષીય સગીર છોકરી સાથે તેના જ ઘરમાં ઘૂસીને ચાકુની અણીએ દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સમયે છોકરીના પરિવારજનો ગણેશ વિસર્જનમાં ભાગ લેવા ગયા હતા.
ગણેશ વિસર્જન દરમિયાન યુવતી પર દુષ્કર્મ, આરોપી ફરાર
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, 24 વર્ષીય આરોપી તૌહિદ સમીર બૈદ ઘરમાં ઘૂસ્યો હતો. તે સમયે છોકરીનો એક સંબંધી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને અંદરથી અવાજ સાંભળીને તેણે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે, આરોપીએ ચાકુ બતાવીને તેને ડરાવ્યો. આસપાસના લોકો પણ અવાજ સાંભળીને ત્યાં આવ્યા, પરંતુ આરોપીએ તેમને પણ ધમકાવ્યા. આ પરિસ્થિતિમાં, સગીર છોકરી ત્યાંથી ભાગીને નજીકના એક ઘરમાં છુપાઈ ગઈ, પરંતુ આરોપીએ પીછો કરીને ચાકુની અણીએ તેની સાથે બળજબરી કરી.
પીડિતાની માતાએ ડાબકી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
છોકરીએ વિરોધ કરતાં અને બૂમાબૂમ કરતાં આરોપીએ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ઘટના બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. ઘરે પરત ફર્યા બાદ પીડિતાએ આખી ઘટના તેની માતાને જણાવી, ત્યારબાદ માતાએ ડાબકી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
ફરિયાદના આધારે પોલીસે આરોપી તૌહિદ સમીર બૈદ વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત દુષ્કર્મ અને ધમકી આપવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઘટના બાદ બજરંગ દળના કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કડક કાર્યવાહીની માગ કરી.
આ પણ વાંચો: કર્ણાટકમાં ગણપતિ વિસર્જનમાં બબાલ, પથ્થરમારામાં 8 લોકો ઈજાગ્રસ્ત, તણાવની સ્થિતિ
આ સંદર્ભે ડાબકી રોડ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અભિષેક અંધારેનું કહેવું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ પણ રામદાસપેઠ પોલીસ સ્ટેશન સહિત અન્ય જગ્યાએ ગુનાહિત કેસ નોંધાયેલા છે. હાલ આરોપી ફરાર છે અને તેને પકડવા માટે એક વિશેષ પોલીસ ટીમ બનાવવામાં આવી છે.