બિહારમાં NDAની સીટ શેરિંગની કાલે થશે જાહેરાત, ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું- 'વાતચીત લગભગ ફાઈનલ'

Bihar NDA Seat Sharing: બિહારમાં NDAની સીટ શેરિંગની આવતીકાલે શનિવારે (11 ઓક્ટોબર) સાંજે જાહેરાત કરવામાં આવશે. ભાજપના બિહાર પ્રમુખ દિલીપ જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે, સીટ શેરિંગ લગભગ નક્કી થઈ ગયું છે અને તેની જાહેરાત આવતીકાલે દિલ્હી અથવા પટનામાં કરવામાં આવશે.
ભાજપ પ્રદેશ પ્રમુખે શું કહ્યું?
મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) શનિવારે સીટ શેરિંગની જાહેરાત કરી શકે છે. જેમાં ઉમેદવારોના નામ સાથે સીટોની યાદી 13 ઓક્ટોબરે જાહેર થવાની શક્યતા છે, કારણ કે BJPની ટિકિટ 12 ઓક્ટોબર સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
દિલીપ જયસ્વાલે કહ્યું કે, 'ઘટક પક્ષો વચ્ચે વાતચીત લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સીટની વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસના અડધો ડઝન ધારાસભ્યો આગામી બે દિવસમાં ભાજપમાં જોડાશે.' એવું માનવામાં આવે છે કે, મુરારી ગૌતમ અને ભરત બિંદ જેવા કેટલાક ધારાસભ્યો, જેમણે 2024 માં નીતિશ કુમાર સરકારના ફ્લોર ટેસ્ટ દરમિયાન NDA ને ટેકો આપ્યો હતો, તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે. તે બધા વિધાનસભામાંથી રાજીનામું આપી રહ્યા છે.
આ પણ વાંચો: બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનના રિસામણા, ભાજપ નેતા ચોથી વખત મનાવવા પહોંચ્યા
શુક્રવારે સવારે, ભાજપના નેતા નિત્યાનંદ રાયે સૌપ્રથમ 30-40 સીટની માગ કરી રહેલા ચિરાગ પાસવાનને મનાવી લીધા હતા. રાજ્યસભા અને વિધાનસભા પરિષદની સીટ પણ તેમને મળવાની ચર્ચા છે. નિત્યાનંદ ગઈકાલે ત્રણ વખત ચિરાગના ઘરે ગયા હતા અને તે રાત્રે ધર્મેન્દ્ર પ્રધાન તેમની સાથે હતા. ચિરાગને સમાધાન કરાવ્યા પછી, 15 સીટની માગ કરી રહેલા જીતન રામ માંઝીને અંતિમ ઓફર કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ સંમત થયા છે. બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડે ઉપેન્દ્ર કુશવાહાના ઘરે ગયા અને તેમને અંતિમ ઓફરની જાણ કરી, અને એવું જાણવા મળ્યું છે કે તેઓ પણ સંમત થયા છે.