બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનના રિસામણા, ભાજપ નેતા ચોથી વખત મનાવવા પહોંચ્યા

Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી અને પરિણામોની તારીખ જાહેર થયા બાદ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)માં બેઠકોની વહેંચણીને લઈને ચાલી રહેલી ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. NDAના આંતરિક વિવાદને ઉકેલવા માટે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે શુક્રવારે (10મી ઑક્ટોબર) ફરી એકવાર લોક જનશક્તિ પાર્ટી(રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાન સાથે મુલાકાત કરી હતી. ચિરાગ પાસવાનને મનાવવા માટે નિત્યાનંદ રાયની આ ચોથી મુલાકાત હતી.
ચિરાગ પાસવાન 40-50 બેઠકોની માંગ પર અડગ!
NDAની અંદર બેઠકોની વહેંચણીની ચર્ચાઓ અંતિમ તબક્કામાં છે, પરંતુ ચિરાગ પાસવાનની 40-50 બેઠકોની માંગણી વિવાદનું મુખ્ય કારણ બની રહી છે. જો કે, બંને નેતાઓ મુલાકાત બાદ હસતા જોવા મળ્યા હતા, જે ગઠબંધનમાં બધું બરાબર હોવાનો સકારાત્મક સંદેશ આપી રહ્યો છે.
ચિરાગ પાસવાનનું સકારાત્મક નિવેદન
નિત્યાનંદ રાય સાથેની આજની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં ચિરાગ પાસવાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'અમારી વચ્ચે વાતચીત સકારાત્મક અને અંતિમ તબક્કામાં છે. બેઠકોની વહેંચણી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, ત્યાં સુધી મને મારી પ્રતિષ્ઠાની ચિંતા નથી.'
NDAમાં મુશ્કેલીઓનો વ્યાપક મોરચો
ભાજપ નેતા નિત્યાનંદ રાય જે બિહારમાં ભાજપના પ્રભારી છે, તે NDAના સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી માટે વાટાઘાટો કરી રહ્યા છે. માત્ર LJP (રામ વિલાસ) જ નહીં, પરંતુ હિન્દુસ્તાની અવામ મોરચા જેવા અન્ય NDA પક્ષો પણ 15 બેઠકોની માંગ કરી રહ્યા છે, જેના કારણે બેઠકોની વહેંચણી વધુ જટિલ બની છે.
ચિરાગ પાસવાનની પાર્ટીમાં પણ બેઠકોની વહેંચણીને લઈને આંતરિક તણાવ હોવા છતાં, પાર્ટી ચૂંટણીમાં NDA સાથે રહેવા માંગે છે. ચિરાગે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે તે કેન્દ્રીય મંત્રી પદ પર રહેશે અને ચૂંટણીની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. NDA ટૂંક સમયમાં બેઠક વહેંચણીની અંતિમ જાહેરાત કરે તેવી શક્યતા છે.
બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર
બિહાર વિધાનસભા ચૂંટણની વાત કરીએ તો રાજ્યમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી છઠ્ઠી નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11મી નવેમ્બરના રોજ યોજાશે. પહેલા તબક્કાની ચૂંટણી માટે ગેજેટ નોટિફેકશન 10મી ઑક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 17મી ઑક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટની 22મી ઑક્ટોબરના બુધવારે થશે. 24મી ઑક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. છઠ્ઠી નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 11મી નવેમ્બર યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14મી નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.