NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ
NDA First Women Cadet Batch: નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ના 148ના કોર્સની મહિલા કેડેટની પ્રથમ બેચ ત્રિસેવા એકેડમીમાં પાસઆઉટ થવાની છે. 30 મેના રોજ તેમની પાસિંગ આઉટ પરેડ થશે. પહેલી વાર આવો નજારો જોવા મળશે જ્યારે 300થી વધુ પુરૂષ કેડેટની સાથે 17 મહિલા કેડેટ પણ એનડીએમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવશે. આ તમામ મહિલા કેડેટ ભારતીય સેનાની ત્રણેય પાંખોમાં જોડાઈ શકશે.
એનડીએના ઐતિહાસિક 148માં કોન્વોકેશન સેરેમની અને પાસિંગ આઉટ પરેડ પહેલાં એનડીએની મહિલા કેડેટની પ્રથમ બેન્ચની અમુક કેડેટે દેશની ટોચની ત્રિસેવા એકેડમીમાં પોતાના ત્રણ વર્ષના અનુભવ વિશે ચર્ચા કરી હતી. જેમાં એક કેડેટ ઈશિતા શર્માએ જણાવ્યું કે, અમને હંમેશા સમાન તકો આપવામાં આવી છે. મહિલા-પુરૂષ વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. તમામ મહિલા કેડેટ્સમાં એકતાની ભાવના જોવા મળશે. હંમેશા એક-બીજાનો હાથ પકડીને આગળ વધતી જોવા મળશે.
મહિલાઓને એનડીએમાં જોડાવા મળશે પ્રોત્સાહન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડિવિઝન કેડેટ કેપ્ટન ઈશિતા શર્મા એનડીએમાં જોડાયા તે પહેલાં દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ઓનર્સ કરી રહી હતી. તેમણે કહ્યું કે, મારૂ માનવું છે કે, એનડીએમાં મહિલાઓનું જોડાવું અને પ્રથમ બેચનું પાસ થવુ મહિલા સશક્તિકરણ માટે મહત્ત્વનું છે. જ્યારે મહિલાઓને નેતૃત્વ કરતાં જોશે, ત્યારે વધુને વધુ મહિલાઓને એનડીએ અને સશસ્ત્ર દળોમાં સામેલ થવા પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચોઃ 26 મે, PM મોદી અમદાવાદમાં કરશે રોડ શોઃ જાણો કયાં રસ્તા રહેશે બંધ અને વૈકલ્પિક માર્ગ
ત્રણ વર્ષની ટ્રેનિંગમાં આવ્યો મોટો ફેરફારઃ રિતુલ
કેડેટ રિતુલે પોતાના અનુભવો વિશે જણાવ્યું હતું કે, એનડીએમાં ત્રણ વર્ષની ટ્રેનિંગમાં અમારી પર્સનાલિટી અને વિચારશક્તિમાં મોટો ફેરફાર આવ્યો છે. ઘણા લોકો બે કિમી પણ દોડી શક્યા ન હતા, તે આજે 14 કિમી સુધી દોડી રહ્યા છે. ફ્લેક્સિબલ બનવામાં મદદ મળી છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ
ઓગસ્ટ, 2021માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે મહિલાઓને એનડીએ પરીક્ષામાં સામેલ કરવાની મંજૂરી આપવા આદેશ આપ્યો હતો. એક અરજીમાં યુપીએસસી દ્વારા આયોજિત એનડીએ અને નૌસેના એકેડમીની પ્રવેશ પરીક્ષામાં મહિલાઓને સ્થાન આપવાની માગ કરી હતી. જેને મંજૂર કરતાં યુપીએસસીને આ આદેશ આપવામાં આવ્યો હતો.