યુદ્ધપોત અને સબમરીન સાથે કરાંચી પર હુમલા માટે તૈયાર હતી નૌસેના : DGNOનું નિવેદન
Indian ARMY Press Conference: ભારતની ત્રણેય સેનાઓએ રવિવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા અને ત્યારબાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં પાકિસ્તાન વિરુદ્ધ તેમની કાર્યવાહી વિશે માહિતી આપી હતી.
માત્ર ભારત સરકારના નિર્દેશોની રાહ જોવાતી હતી...
સેનાની આ પ્રેસ કોન્ફરન્સમાં નેવલ ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ (DGNO) વાઇસ એડમિરલ એએન પ્રમોદે કહ્યું કે, ભારતીય નૌસેના 9 મેની રાત્રે પાકિસ્તાનના દરિયાઈ સરહદમાં તેમના સેન્ય સ્થાનો, કરાંચી બંદર સહિત જમીન પર પસંદગીના ક્ષેત્રો પર હુમલો કરી નાશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી. માત્ર ભારત સરકારના નિર્દેશોની રાહ જોઈ રહ્યું હતું. વાઇસ એડમિરલ એએન પ્રમોદે કહ્યું કે, 'ભારતીય નૌસેના આ બધું કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.'
જવાનો, યુદ્ધ જહાજો, સબમરીન અને ફાઇટર એરક્રાફ્ટને સમુદ્રમાં તૈનાત કરાયા
ઓપરેશન સિંદૂર પર ત્રણેય સેવાઓની સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન વાઇસ એડમિરલ એએન પ્રમોદે જણાવ્યું હતું કે, '22 એપ્રિલના રોજ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારતીય નૌસેના તાત્કાલિક તેના જવાનો, યુદ્ધ જહાજો, સબમરીન અને ફાઇટર એરક્રાફ્ટને સંપૂર્ણ યુદ્ધ તૈયારી સાથે સમુદ્રમાં તૈનાત કરી દીધા હતા.'
આ પણ વાંચો : BIG NEWS: ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત
અરબી સમુદ્રમાં યુદ્ધ જહાજોની તૈયારીનું પરીક્ષણ કરાયું
તેમણે વધુમાં જણાવ્યું કે,'અમે આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર અરબી સમુદ્રમાં અમારા શસ્ત્રો અને યુદ્ધ જહાજોની તૈયારીનું પરીક્ષણ કર્યું અને અમારા દળો ઉત્તર અરબી સમુદ્રમાં દુશ્મન સામે નિર્ણાયક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયારી અને ક્ષમતા સાથે તૈનાત હતા, જેથી કરીને કરાચી સહિત સમુદ્ર અને જમીન પર દુશ્મનના પસંદગીના લક્ષ્યો પર હુમલો કરી શકાય.'