National Startup Day: દિલ્હીના ભારત મંડપમ ખાતે 'રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ' (National Startup Day) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવા ઉદ્યોગસાહસિકોને સંબોધ્યા હતા. પીએમ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનના 10 વર્ષની ઉજવણીના આ અવસરે ભારતના યુવાનોની જોખમ લેવાની ક્ષમતાના ભારોભાર વખાણ કર્યાં હતા અને પોતાના રાજકીય જીવનના અનુભવો પણ શેર કર્યા હતા.
'જોખમ લેવું એ મારી જૂની આદત છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપના સ્થાપકો સાથે પોતાની સરખામણી કરતા જણાવ્યું કે, 'તમારી જેમ મને પણ જોખમ લેવાનું ગમે છે. મેં મારા રાજકીય ભવિષ્યને દાવ પર લગાવીને એવા નિર્ણયો લીધા છે જે રાષ્ટ્રીય હિતમાં હતા. અગાઉની સરકારો જે કામો ચૂંટણી હારવાના ડરથી કે ખુરશી ગુમાવવાના ડરથી નહોતી કરતી, તે મેં મારી જવાબદારી સમજીને કર્યા છે.'
દેશના ફાયદા અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 'દેશ માટે જે જરૂરી છે તે કોઈએ તો કરવું જ પડશે. જો નુકસાન થશે તો મારું જશે, પણ જો ફાયદો થશે તો દેશના કરોડો પરિવારોનો થશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં એક જ પરિવારના 3 નેતા, 3 જુદા જુદા પક્ષમાંથી ચૂંટણી લડ્યા અને ત્રણેયની જીત
10 વર્ષમાં સ્ટાર્ટઅપ ક્રાંતિ
છેલ્લા એક દાયકામાં દેશમાં આવેલા બદલાવ પર ભાર મૂક્યો પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, 'આજે ભારતમાં 125 એક્ટિવ યુનિકોર્ન છે, જે 2014માં ફક્ત ચાર હતા. આજના સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બની રહ્યા છે. આ ખૂબ જ સારા સમાચાર છે. હવે દેશનો યુવાન માત્ર માસિક પગારના કમ્ફર્ટ ઝોનમાં રહેવા માંગતો નથી. સમાજમાં પણ હવે 'રિસ્ક' લેનારાઓનું સન્માન થઈ રહ્યું છે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલાની સ્થિતિ યાદ અપાવતા કહ્યું કે, 'તે સમયે વ્યક્તિગત નવીનતા માટે બહુ જગ્યા નહોતી. પરંતુ હાલમાં સરકારે એવી ઇકોસિસ્ટમ તૈયાર કરી છે જે નવીનતાને પ્રોત્સાહન આપે છે. ભારતના યુવાનો આજે માત્ર સમસ્યાઓ વિશે વાત નથી કરી રહ્યા, પરંતુ તેના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આગામી દાયકો ભારતીય સ્ટાર્ટઅપ્સનો રહેશે અને તે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.'


