Mhatre Family’s Historic Victory in Dombivli Elections! : મહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશાં આશ્ચર્યજનક પરિણામો મળતા રહ્યા છે. અહીં એક પરિવારે એક એવી સિદ્ધિ મેળવી છે, જે ભૂતકાળમાં દેશના કોઈ ખૂણે યોજાયેલી કોઈપણ ચૂંટણીમાં શક્ય નથી બની.
એક પરિવાર, ત્રણ સભ્ય, ત્રણ પક્ષ, ત્રણ વૉર્ડમાં જીત!
મ્હાત્રે પરિવારે આ ચૂંટણીમાં અભૂતપૂર્વ ઇતિહાસ રચ્યો છે. પરિવારના ત્રણ સભ્યોએ ત્રણ જુદા જુદા રાજકીય પક્ષોની ટિકિટ પર ચૂંટણી લડી છે અને ત્રણેય વૉર્ડ જીતી લીધા છે! એક જ ઘરમાંથી ત્રણ જુદા ધ્વજ ફરકાવતા ત્રણ વિજેતા બન્યા છે. આ ત્રણેય ડોંબિવલીના 21 નંબરના વૉર્ડની પેનલમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, પણ ત્રણેય અલગ અલગ પક્ષમાંથી.
કોણ કઈ પાર્ટીમાંથી જીત્યા?
પ્રહલાદ મ્હાત્રે: તેઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ની ટિકિટ પર વિજયી થયા છે.
રેખા મ્હાત્રે: તેમણે શિવસેનાની ટિકિટ પર જીત હાંસલ કરી છે.
રવિન મ્હાત્રે: તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાનો વૉર્ડ જીતવામાં સફળ રહ્યા છે.
જલગાંવમાં પણ એક જ પરિવારના 3 સભ્યોએ ચૂંટણી જીતી
આટલું જ નહીં મહારાષ્ટ્રમાં અન્ય એક મહાનગરપાલિકામાં પણ એક જ પરિવારના ત્રણ સભ્યો ચૂંટણીમાં વિજયી થયા છે. જલગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોલ્હે પરિવારના ત્રણ સભ્યો શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને ત્રણેયનો વિજય થયો. લલિત કોલ્હે, સિંધુતાઈ કોલ્હે અને પિયુષ કોલ્હેનો ચૂંટણીમાં વિજય થયો છે. ચૂંટણી જીત્યા બાદ પરિવારના સભ્યો એકબીજાને ભેટી પડ્યા હતા. ખાસ નોંધનીય છે કે લલિત કોલ્હે તો જેલમાં રહીને ચૂંટણી લડ્યા છે.
એક જ પરિવારના ત્રણ નેતા, શિવસેનામાંથી ચૂંટણી જીત્યા
લલિત કોલ્હે (પોતે)
સિંધુતાઈ કોલ્હે (લલિત કોલ્હેના સાસુ)
પિયુષ કોલ્હે (લલિત કોલ્હેના પુત્ર)
ચૂંટણીમાં જીતની ખુશી
આ ‘ટ્રિપલ વિજય’ શું સૂચવે છે?
આ બનાવથી મહારાષ્ટ્રના રાજકારણની અમુક વિશેષતાઓ સામે આવે છે. જેમ કે,
1. વંશીય રાજકારણનો પ્રભાવ: થાણે જેવા પ્રદેશોના રાજકારણમાં સ્થાનિક શક્તિશાળી પરિવારો મજબૂત હોય છે. મતદારો ઘણી વાર પક્ષ કરતાં વ્યક્તિ અથવા પરિવારને વધુ મહત્ત્વ આપે છે. મ્હાત્રે પરિવારની સ્થાનિક પકડ એવી છે કે મતદારોએ પક્ષની જાતિ કરતાં પરિવારના નામને અગ્રતા આપી.
2. પક્ષોની વ્યૂહરચના: ત્રણેય મુખ્ય પક્ષો – MNS, શિવસેના અને ભાજપ – જાણતા હશે કે આ પરિવારની સ્થાનિક પહોંચ અને પ્રભાવને નકારવો મુશ્કેલ છે. તેથી જ, દરેક પક્ષે આ પરિવારના સભ્યને પોતાની ટિકિટ આપવાનું વધુ ફાયદાકારક ગણ્યું. આ એક પ્રકારની ‘વૉર્ડ-બેઝ્ડ’ સોદાબાજી થઈ.
3. સત્તા માટેની લડત: સ્થાનિક ચૂંટણીઓમાં, વ્યક્તિગત પ્રભાવ અને સ્થાનિક મુદ્દાઓ રાષ્ટ્રીય પક્ષની વિચારધારા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. આ ઘટના બતાવે છે કે કેન્દ્ર સરકાર અથવા રાજ્યની સરકાર જે હોય તે, પણ સ્થાનિક સત્તા-કેન્દ્રો પોતાની અલગ ચાલ ચાલે છે.
4. ચૂંટણી વ્યૂહરચનાનો ફેરફાર: આ ઘટના દર્શાવે છે કે ભારતીય લોકશાહી વધુ ને વધુ જટિલ બની રહી છે. પક્ષો પોતાની આદર્શ વિચારધારાને અનુસરવા કરતાં જીતી શકે એવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. વિચારધારા કરતાં 'સત્તા'ની લાલસા વધુ મહત્ત્વની બની રહી છે, એ કડવું સત્ય છે.


