Jammu-Kashmir: પાકિસ્તાનના પાંચ ડ્રોન ફરી નિયંત્રણ રેખા (LoC) પર કરીને જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લાના કેરી સેક્ટરમાં દેખાયા છે. પાકિસ્તાન તરફથી વારંવાર જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીની કોશિશ થઈ રહી છે, જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં મંગળવારે 5 પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા જે બાદ ભારતીય સુરક્ષાદળોએ વળતું ફાયરિંગ કર્યું હતું.
સૂત્ર મુજબ, પાંચ પાકિસ્તાની ડ્રોનમાંથી પહેલું મંગળવારે (13 જાન્યુઆરી) સાંજે 7:30 વાગ્યાની આસપાસ નિયંત્રણ રેખા (LoC) પાર કરીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યું હતું ત્યારબાદ બાકીના ચાર પાકિસ્તાની ડ્રોન રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જોવા મળ્યા હતા. આ પહેલા 11 જાન્યુઆરીના રોજ 5 ડ્રોનની હલચલ સીમા પારથી ભારત તરફ જોવા મળી હતી.
જમ્મુના કાનાચકમાં સેટેલાઇટ ફોન મળ્યો હતો
11 જાન્યુઆરી, 2026 રવિવારના દિવસે પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા કાનાચક સેક્ટરમાંથી ભારતીય સુરક્ષાદળોએ શંકાસ્પદ સેટેલાઇટ ફોન શોધી કાઢ્યો હતો, જેના બે દિવસ પછી આ ઘટના બની. ગંભીરતાને ધ્યાને રાખી ભારતીય સેના, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને જમ્મુ અને કાશ્મીર પોલીસે કાનાચક સેક્ટર અને આસપાસના વિસ્તારોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આશંકા છે કે ડ્રોનના માધ્યમથી હથિયાર કે પ્રતિબંધિત સામાન ભારતની સીમામાં નાખવાની કોશિશ થઈ હોય, ઓછામાં ઓછી 5 ડ્રોન ગતિવિધિ જોવા મળી છે જેથી મોટા પાયે સર્ચ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે થોડા દિવસ પહેલા જ સાંબાં જિલ્લાના પાલુરા ગામમાં આતંરરાષ્ટ્રીય સરહદ નજીક હથિયારોની ખેપ કબજે કરવામાં આવી હતી. અધિકારીઓનો દાવો છે કે આ ખેપ પાકિસ્તાની ડ્રોન દ્વારા હવામાંથી નીચે ફેંકવામાં આવી હતી. જેમાં બે પિસ્તોલ, ત્રણ મેગઝીન, 16 રાઉન્ડ કારતૂસ અને એક ગ્રેનેડ હતો.


