Get The App

યુક્રેનમાં રશિયાના ભીષણ મિસાઈલ-ડ્રોન હુમલાઃ કડકડતી ઠંડીમાં નાગરિકોની હાલત કફોડી, લાખો લોકો અંધારપટમાં

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
યુક્રેનમાં રશિયાના ભીષણ મિસાઈલ-ડ્રોન હુમલાઃ કડકડતી ઠંડીમાં નાગરિકોની હાલત કફોડી, લાખો લોકો અંધારપટમાં 1 - image


Image Source: volodymyr zelenskyy/ X
Russia Major Attack on Ukraine: રશિયાએ નવા વર્ષની શરૂઆતમાં જ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો છે. રશિયાએ કરેલા હુમલામાં અત્યાર સુધી ચારેક લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ છે. આ હુમલાને કારણે અનેક શહેરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ કારણસર કડકડતી ઠંડીમાં હીટિંગ (ગરમી)ની સુવિધા બંધ થઈ જતા લાખો લાખો લોકો નાગરિકોની હાલત કફોડી બની ગઈ છે. આ દરમિયાન લાખો લોકો અંધારપટમાં જીવવા મજબૂર છે, જેમના પર સતત મોતનો ભય ઝળુંબી રહ્યો છે. 

રશિયાએ અમારા પર 18 બેલિસ્ટિક મિસાઈલ ઝીંકીઃ ઝેલેન્સ્કી 

આ અંગે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, રશિયાએ યુક્રેનના આઠ પ્રદેશો પર લગભગ 300 ડ્રોન, 18 બેલિસ્ટિક મિસાઇલો અને 7 ક્રૂઝ મિસાઇલો છોડી હતી. અમારા ઊર્જા મથકો અને સબ સ્ટેશનો રશિયાના મુખ્ય નિશાન હતા. આવા હુમલા યાદ અપાવે છે કે યુક્રેનને મળતી સૈન્ય સહાય અટકવી જોઈએ નહીં. અમને ખાસ કરીને શિયાળામાં દરરોજ એર ડિફેન્સ સિસ્ટમની જરૂર છે.

યુક્રેનનો 7 મિસાઈલ અને 247 ડ્રોન તોડી પાડ્યાનો દાવો 

આ હુમલા પછી યુક્રેન એરફોર્સે 247 ડ્રોન અને 7 મિસાઈલ તોડી પાડી હોવાનો દાવો કર્યો છે. જો કે, આ હુમલામાં 24 સ્થળને ભારે નુકસાન પણ થયું છે. યુક્રેનના એનર્જી ડિપાર્ટમેન્ટના જણાવ્યાનુસાર, યુક્રેનની રાજધાની કીવ સહિત ખાર્કિવ, ઓડેસા અને ડોનેત્સ્ક જેવા વિસ્તારોમાં ઇમરજન્સી પાવર કટ લાગુ કરાયો છે. કીવમાં તાપમાન માઈનસ 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે વીજળી વગર રહેવું લોકો માટે અત્યંત મુશ્કેલ બન્યું છે.

સરહદ નજીકના ખાર્કિવ સહિતના શહેરોમાં વિનાશ 

રશિયાના અચાનક હુમલા પછી યુક્રેનના અનેક વિસ્તારોમાં વિનાશની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સરહદ નજીક ખાર્કિવ શહેરમાં પોસ્ટલ ટર્મિનલ પર થયેલા હુમલામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુને ઈજા થયાના અહેવાલ છે. દક્ષિણના બંદર શહેર ઓડેસામાં એક ફિટનેસ સેન્ટર અને શૈક્ષણિક સંસ્થા પર થયેલા હુમલામાં 5 લોકોને ઈજા થઈ છે. તો  મધ્ય યુક્રેનના ક્રિવી રીહ નામના ઔદ્યોગિક શહેરમાં ગેસ પાઈપલાઈન અને રહેણાક મકાનોને નુકસાન થયું છે.

પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરતા હોવાથી પુતિન લાલઘૂમ 

આંતરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોનનું કહેવું છે કે, પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરતા હોવાથી રશિયન પ્રમુખ વ્લાતિમીર પુતિન અત્યંત ગુસ્સે છે. યુક્રેન પર હુમલો એ તમામ દેશોને જવાબ છે, જે યુક્રેનને મદદ કરી રહ્યા છે અથવા રશિયા વિરોધી છે. જેમ કે, બ્રિટન યુક્રેન માટે ખાસ 'નાઈટફોલ' (Nightfall) મિસાઈલો વિકસાવી રહ્યું છે, જે યુક્રેનની રક્ષણાત્મક શક્તિમાં વધારો કરશે. આ સ્થિતિમાં પુતિન હુમલો કરીને બ્રિટન સહિતના દેશોને પણ જવાબ આપી રહ્યા છે. હાલ પણ પૂર્વ યુક્રેનના ડોનેત્સ્ક ક્ષેત્રમાં રશિયન સૈનિકો ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છે, જ્યાં લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું આ યુદ્ધ હવે એક ભયાનક સીમાચિહ્ન પર પહોંચ્યું છે. રાજદ્વારી પ્રયાસો છતાં શાંતિની કોઈ આશા દેખાતી નથી.

નોંધનીય છે કે, રશિયા વ્યૂહાત્મક રીતે યુક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યું છે, જેથી ભયાનક શિયાળામાં યુક્રેનના નાગરિકોનું મનોબળ તૂટી જાય. બીજી તરફ, યુક્રેન પશ્ચિમી દેશો પાસેથી વધુ શસ્ત્રોની આશા રાખી રહ્યું છે.