National News: બિહારમાં શરમજનક પ્રદર્શન બાદ મહાગઠબંધનમાં ભંગાણ થાય તેવા એંધાણ સર્જાયા છે. કોંગ્રેસના મોટા ભાગના નેતાઓએ લાલુ અને તેજસ્વી યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ(RJD) સાથે છેડો ફાડવાની માગ કરી છે. નવી દિલ્હીમાં શુક્રવારે હાઈલેવલ બેઠક યોજાઇ હતી. જેમાં બિહાર કોંગ્રેસના ધારાસભ્યોએ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત બિહારના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો અને નેતાઓ RJD સાથે ગઠબંધન રાખવાના મૂડમાં નથી.
ખડગેએ સવાલ પૂછ્યા
રાહુલ ગાંધીએ શુક્રવારે કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે આયોજિત બેઠકમાં પહેલી વાર બિહારના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. ખડગેએ તેમને પાર્ટીમાં તિરાડની અફવા અંગે સવાલોનો મારો કર્યો હતો. જેને ધારાસભ્યોએ ધરમૂળથી નકારી દીધો હતો. કોંગ્રેસ ધારાસભ્યોએ RJD અને કોંગ્રેસના સંબંધોને અસહજ અને ઘાતક બતાવ્યા હતા.
તાત્કાલિક નિર્ણય ટાળ્યો
સૂત્રનું માનીએ તો મોટાભાગના ધારાસભ્ય લાલુ અને તેજસ્વી સાથે ગઠબંધનના પક્ષમાં નથી, બેઠકમાં એક બે ધારાસભ્ય સિવાય બાકીના તમામે ગઠબંધનને તોડી નાખવાની રજૂઆત કરી છે. જો કે તાત્કાલિક તેના પર કોઈ નિર્ણય લેવાના મૂડમાં કોંગ્રેસ હાઈકમાંડ નથી. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીના ટોચ નેતાઓ આ મામલે મંથન કરશે જે બાદ ભવિષ્યમાં કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે.
આ પણ વાંચો: 8મા પગાર પંચ પહેલા ખુશખબર, આ સરકારી કર્મીઓના પગાર-પેન્શનમાં 30%નો વધારો
બિહારમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના પૂર્વ નેતા શકીલ અહમદ લાંબા સમયથી RJD સાથે ગઠબંધનનો અંત આણવાની માગ કરી રહ્યા છે., હાલમાં જ બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ખડગેએ દિલ્હીમાં સમીક્ષા બેઠક કરી હતી. જેમાં, કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો સાથે વાત કરવામાં આવી હતી. જેમાં RJD સાથે ગઠબંધનને પણ કોંગ્રેસની શરમજનક હારનું એક કારણ માનવામાં આવ્યું હતું.


