Ram Temple Golden Idol: અયોધ્યામાં રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક ભવ્ય અને કિંમતી સુવર્ણ પ્રતિમા બિરાજમાન કરાશે. કર્ણાટકના એક ગુપ્ત દાતા દ્વારા અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી ગઈ હતી. આ સુવર્ણ પ્રતિમા પર હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નો જડવામાં આવ્યા છે, જેની કિંમત રૂ. 30 કરોડ જેટલી આંકવામાં આવી છે.
આશરે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી પ્રતિમા
દક્ષિણ ભારતીય શૈલીમાં તૈયાર કરાયેલી આ મૂર્તિ આશરે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી છે. નિષ્ણાતોના મતે આ પ્રતિમાની અંદાજિત કિંમત રૂ. 30 કરોડની આસપાસ હોવાનું મનાય છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘આ દાતાએ તેમની ઓળખ ગુપ્ત રાખી છે. હાલ મૂર્તિની વિવિધ સ્તરે ચોકસાઈ કરાઈ રહી છે. આ મૂર્તિનું વજન આશરે 500 કિલો છે.’
ક્યાં કરવામાં આવશે સ્થાપના?
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ભવ્ય પ્રતિમાને રામ મંદિરના સંત તુલસીદાસ મંદિર પાસે આવેલા 'અંગદ ટીલા' પર સ્થાપિત કરાશે. પ્રતિમાના અનાવરણ બાદ એક ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે, જેમાં દેશભરના સાધુ-સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે.
તાંજોરના કારીગરોની અદભૂત કલા
આ મૂર્તિને તૈયાર કરવામાં તમિલનાડુના તાંજોરના કુશળ કારીગરોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હીરા, નીલમ અને સોનાથી બનેલી આ મૂર્તિમાં કઈ ધાતુનો કેટલો ઉપયોગ થયો છે, તેની નિષ્ણાતો દ્વારા તપાસ કરાઈ રહી છે.
રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે 29 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન 'પ્રતિષ્ઠા દ્વાદશી'ની ભવ્ય ઉજવણી કરાશે. આ પાંચ દિવસીય મહોત્સવમાં રામ મંદિરના ગર્ભગૃહમાં અભિષેક, શૃંગાર, ભોગ અને પ્રાગટ્ય આરતી જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.


