Long Weekends in 2026: નવું વર્ષ શરૂ થવાનું હોય એ પહેલાં ટ્રાવેલના રસીયાઓ તેમણે વર્ષ દરમિયાન ક્યાં ક્યા ફરવા જવાનું એનું પ્લાનિંગ કરી રહ્યાં હોય છે. ઓફિસમાં કામ કરતાં હોય, પરંતુ ટ્રાવેલનો પણ શોખ હોય તેમના માટે ફરવું મુશ્કેલ બની જાય છે. જોકે 2026 તેમના માટે સારું સાબિત થઈ શકે છે. આ નવા વર્ષમાં 9 લોન્ગ વીકએન્ડ આવી રહ્યાં છે. આથી તેઓ તેમના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે મુસાફરી સારી રીતે કરી શકશે. 2026માં ઘણાં તહેવાર અને નેશનલ હોલીડે પણ એવા દિવસે આવી રહ્યાં છે કે એક લોન્ગ વીકએન્ડ બની જશે. આ લોન્ગ વીકએન્ડ નવું વર્ષ, પ્રજાસત્તાક દિવસ, ગુડ ફ્રાઇડે, બુદ્ધ પૂર્ણિમા, મોહરમ, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી, ગાંધી જયંતી અને ક્રિસમસ જેવી છુટ્ટીઓ સાથે બની રહ્યો છે. આ દરમિયાન સ્કૂલ, કોલેજ અને ઘણી ઓફિસમાં પણ છુટ્ટી હોય છે.
નવા વર્ષનું લોન્ગ વીકએન્ડ
1-4 જાન્યુઆરી લોન્ગ વીકએન્ડ બની રહ્યું છે. પહેલી જાન્યુઆરી એટલે કે નવા વર્ષની ઘણી ઓફિસમાં રજા હોય છે. આ દિવસ ગુરુવાર આવે છે. 2 જાન્યુઆરી શુક્રવારે એક દિવસ રજા લેવાથી ચાર દિવસની રજા થઈ જશે. ત્રણ અને ચાર જાન્યુઆરી શનિવાર અને રવિવાર છે. મોટા ભાગની ઓફિસ વીકએન્ડમાં બંધ હોય છે. ન્યુ યરના સેલિબ્રેશન માટે આ ખૂબ જ સારો સમય છે જેમાં ટ્રાવેલિંગ પણ કરી શકાશે.
26 જાન્યુઆરી લોન્ગ વીકએન્ડ
24 જાન્યુઆરીએ શનિવાર છે અને 25 જાન્યુઆરીએ રવિવાર. તેમ જ 26 જાન્યુઆરી જાહેર રજા હોવાથી લોકોને કોઈ પણ છુટ્ટી લેવા વગર ત્રણ દિવસની રજા મળી રહી છે. નાની ટ્રિપ અથવા તો ફેમિલી ટાઇમ માટે આ સમય ખૂબ જ સારો છે.
ગુડ ફ્રાઇડે લોન્ગ વીકએન્ડ
3 એપ્રિલે ગુડ ફ્રાઇડે આવી રહ્યો છે. આ દિવસ સ્વાભાવિક રીતે શુક્રવાર હોય છે. 4 અને 5 એપ્રિલે શનિવાર અને રવિવાર છે. આથી આ દિવસે પણ કોઈ પણ છુટ્ટી લેવા વગર ત્રણ દિવસનો લોન્ગ વીકએન્ડ મળી જશે. આ સમયે આરામ કરવા અથવા તો ફરી કોઈ નાની ટ્રિપ માટે સારો સમય છે.
બુદ્ધ પૂર્ણિમા લોન્ગ વીકએન્ડ
1 મેના દિવસે બુદ્ધ પૂર્ણિમા અને મજૂર દિવસ બન્ને આવે છે. આથી આ દિવસે રજા હોય છે. તેમ જ આ દિવસ શુક્રવાર પણ છે. 2 અને 3 મે શનિવાર અને રવિવાર છે. આથી આ લોન્ગ વીકએન્ડમાં પણ ફ્રેન્ડ્સ અથવા તો ફેમિલી સાથે નાની ટ્રિપ થઈ શકે છે. એ પણ એક પણ દિવસ રજા લીધા વગર. ઊનાળો ચાલતો હોવાથી હિલ સ્ટેશન અથવા તો વોટર પાર્ક જેવા થીમ પાર્કમાં જવા માટે આ ખૂબ જ સારો સમય છે.
મોહરમ લોન્ગ વીકએન્ડ
26 જૂને મોહરમ છે. આ દિવસ શુક્રવાર છે. 27 અને 28 જૂન શનિવાર અને રવિવાર હોવાથી લોન્ગ વીકએન્ડ મળી જશે. વરસાદની સીઝન શરૂ થઈ રહી હોવાથી રોડ ટ્રિપ માટે આ ખૂબ જ સારો સમય છે. બાઇક ટ્રિપ પણ કરી શકાશે અને કારમાં પણ કોઈ જગ્યાએ જઈને નેચરની મજા માણી શકાશે.
15 ઓગસ્ટ લોન્ગ વીકએન્ડ
15 ઓગસ્ટે શનિવાર આવી રહ્યો છે. 16 ઓગસ્ટે રવિવાર છે. આથી જો 14 ઓગસ્ટ અથવા તો 17 ઓગસ્ટ બેમાંથી એક દિવસ છુટ્ટી લઈ લેવામાં આવે તો લોન્ગ વીકએન્ડ બની શકે છે. નાનકડા બ્રેક માટે આ પણ આ ખૂબ જ સારો સમય છે.
જન્માષ્ટમી લોન્ગ વીકએન્ડ
4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી છે. આ દિવસ શુક્રવાર આવે છે. શનિવાર અને રવિવાર હોવાથી 5 અને 6 સપ્ટેમ્બર રજા હશે. આથી કોઈ પણ છુટ્ટી વગર ત્રણ દિવસનો લોન્ગ વીકએન્ડ બની શકે છે. આ સમય વૃંદાવન અથવા તો રાજસ્થાન જેવી જગ્યાએ જવા માટે ઉત્તમ છે.
ગાંધી જયંતી લોન્ગ વીકએન્ડ
2 ઓક્ટોબરે શુક્રવાર આવે છે અને એ દિવસે ગાંધી જયંતી હોય છે. 3 અને 4 ઓક્ટોબરે શનિવાર અને રવિવાર આવે છે. ત્રણ દિવસની છુટ્ટી મળી શકે છે. પાર્ટી કરનાર માટે આ લોન્ગ વીકએન્ડ એટલો રસપ્રદ ન પણ હોય શકે કારણ કે ડ્રાય ડે આવે છે. આથી આરામ કરવા માટે આ ખૂબ જ સારો સમય છે.
ક્રિસમસ લોન્ગ વીકએન્ડ
25 ડિસેમ્બરે શુક્રવાર છે. ક્રિસમસની છુટ્ટી હશે અને 26 અને 27 ડિસેમ્બરે શનિવાર અને રવિવાર છે. આથી આ ત્રણ દિવસની છુટ્ટી મળી શકે છે. જો વર્ષ દરમિયાન વધુ રજા ન લીધી હોય તો 4-5 દિવસની વધુ રજા લઈને એક અઠવાડિયાથી વધુનો સમય મળી શકે છે. ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે આનાથી સારો સમય કોઈ નહીં હોય કારણ કે પહેલી જાન્યુઆરીએ ફરી રજા હશે.


