National News: શશિ થરૂર બાદ કોંગ્રેસના વધુ એક નેતાએ પાર્ટીના નેતૃત્વ પ્રત્યે નારાજગી દર્શાવી છે. પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુને પાર્ટી સામે વાંધો વચકો પડતા હાઈકમાન્ડ પર આડકતરું નિશાન સાધ્યું છે. જેનું કારણ છે રાહુલ ગાંધીની હાઈલેવલ ઈમરજન્સી બેઠક, દિલ્હીમાં થયેલી આ મુલાકાતમાં વર્ષ 2027માં પંજાબ વિધાનસભા ચૂંટણીની વ્યૂહનીતિને લઈને ચર્ચાઓ થઈ જેમાં આમંત્રણ ન આપીને નવજોતસિંહ સિદ્ધુ પત્તું કાપી નાખવામાં આવ્યું.
નવજોતસિંહ સિદ્ધુ કોરાણે મુકાયા
રાહુલ ગાંધીએ ગત ગુરુવારે દિલ્હીમાં પંજાબના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રદેશના હાલના અને પૂર્વ બંને પદાધિકારીઓ સામેલ હતા. પણ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુની ગેરહાજરી ઊડીને આંખે વળગી હતી. બાદમાં વાતો વહેતી થઈ હતી કે સિદ્ધુને આ બેઠક માટે આમંત્રણ જ મોકલવામાં આવ્યું નથી. જેથી સિદ્ધુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં નામ લીધા વગર કોંગ્રેસની અંદરની રાજનીતિ જગજાહેર કરી હતી.
સિદ્ધુએ વીડિયો શેર કરી શું કહ્યું?
આ વીડિયોમાં નવજોતસિંહ સિદ્ધુ તેમના શાયર અંદાજમાં કહી રહ્યા છે કે, 'જેને તમને નથી બોલાવ્યા, તેને છોડી મૂકો, દરેક તમારા લાયક નથી હોતા, ઘણી વખત એકલા રહેવું જ વધારે સારું છે.', સિદ્ધુએ આ વીડિયોમાં કોઈનું નામ નથી લીધું પણ દિલ્હીમાં પંજાબ નેતાઓની બેઠકમાં સાઈડલાઇન થયા બાદની આ પોસ્ટ ઘણું બધુ કહી જાય છે, સિદ્ધુએ છોડેલું આ શબ્દ તીર, સીધું રાહુલ ગાંધી સાથેની બેઠકમાં તેમની અવગણના સાથે જોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું - RJD સાથે છેડો ફાડો!
મહત્વનું છે કે આ પહેલા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે નિવેદનો અને સોશિયલ મીડિયા પર પોસ્ટનો મારો ચલાવી પાર્ટી હાઈકમાંડના નેતૃત્વ સામે સવાલો ઉભા કર્યા હતા. હવે સિદ્ધુએ વીડિયો દ્વારા ખુલ્લેઆમ સંકેત આપી દીધો છે કે કોંગ્રેસમાં ટોચના નેતાઓ અને પ્રદેશના નેતાઓ વચ્ચે ડખો ચાલી રહ્યો છે, જે ગમે ત્યારે સાર્વજનિક થશે અને મોટું સ્વરૂપ ધારણ કરશે. હાલમાં કોંગ્રેસ આવનારી ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહી છે. પંજાબ કોંગ્રેસમાં પહેલાથી જૂથબાજીની ચર્ચાઓ ચાલી રહી છે. સિદ્ધુનો આ તાજો વીડિયો તેની પુષ્ટિ કરે છે. જો કે પાર્ટી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી પણ એટલું સાફ છે કે રાહુલ ગાંધીની બેઠક બાદ સિદ્ધુનો વીડિયો કોંગ્રેસની આંતરિક વ્યૂહનીતિ સામે સવાલ ઊભા કરે છે.


