National News: હિજાબ વિવાદ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચતા બિહારમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની પ્રચંડ જીત બાદ નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા. જે બાદ આ તેમની પહેલી દિલ્હી મુલાકાત રાજનીતિમાં હાલ ચર્ચાનું કેન્દ્ર છે.
મંત્રીમંડળ વિસ્તરણની થઈ શકે ચર્ચા
દિલ્હીમાં નીતિશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ટોચના NDA સાથીઓ સાથે બેઠક કરી શુભેચ્છા મુલાકાત કરે તેવી સંભાવના છે. PM મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ તેમજ ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. સૂત્ર પ્રમાણે આ મુલાકાત દરમિયાન બિહાર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ ચર્ચાનો મુખ્ય વિષય બને તેવી શક્યતા છે. ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારા નીતિન નવીનના સ્થાને એક નવા મંત્રીની પણ નિમણૂક કરવામાં આવનાર છે. મંત્રીમંડળ વિસ્તરણ પ્રક્રિયા ઉત્તરાયણ બાદ શરૂ થશે તેવી આશંકાઓ રાજકીય પંડિતો લગાવી રહ્યા છે.
પુત્ર નિશાંતને સક્રિય રાજનીતિમાં લાવશે?
તો બીજી તરફ એવું પણ અનુમાન છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર પુત્ર નિશાંતને સક્રિય રાજનીતિમાં લાવવા માંગે છે. જે મુદ્દો લાંબા સમયથી અટકળોનો વિષય બની રહ્યો છે. JDUના કાર્યકારી પ્રમુખ અને નીતિશ કુમારના નજીકના સાથી સંજય કુમાર ઝાએ કહ્યું હતું કે પાર્ટીની અંદર નિશાંતના પ્રવેશની પ્રબળ લાગણી છે. ઝાએ આશા વ્યક્ત કરી હતી કે નિશાંત આ અંગે કોઈ નિર્ણય પર આવશે. આ ઉપરાંત બિહારમાં રાજ્યસભા અને બિહાર વિધાન પરિષદની કેટલીક બેઠકો માટે વર્ષ 2026માં ચૂંટણી આવી રહી છે જેના પર પણ ચર્ચા થઈ શકે છે. વિધાનસભામાં ભારે બહુમત આવતા હવે બંને ચૂંટણીમાં NDA દબદબો રહેશે તે નક્કી છે.
છેલ્લે એવી પણ અટકળો છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર આરોગ્ય સંબંધિત તપાસ માટે દિલ્હી આવ્યા છે. સામાન્ય રીતે નીતિશ કુમાર વર્ષમાં ઓછામાં ઓછા એક વખત દિલ્હી AIIMS ખાતે તપાસ કરાવે છે. વર્ષ 2021માં નીતિશ કુમારની દિલ્હીના AIIMS ખાતે મોતિયાની સર્જરી કરાવવામાં આવી હતી.
હિજાબ વિવાદ બાદ દિલ્હી ભણી!
ગત 15 ડિસેમ્બરના રોજ બિહારના CM નીતિશ કુમાર 1282 આયુષ ડૉક્ટર્સને નિયુક્તિ પત્ર સોંપી રહ્યા હતા તે દરમિયાન મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતો વીડિયો વાઈરલ થયો હતો. જેનો વિપક્ષ દ્વારા જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો. લાલુ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળે વીડિયો એક્સ પર પોસ્ટ કરી કહ્યું હતું કે 'નીતિશજીને આ શું થઈ ગયું છે? માનસિક સ્થિતિ હવે દયનીય સ્થિતિ પર પહોંચી ચૂકી છે કે પછી નીતિશ બાબુ 100 ટકા સંઘના થઈ ગયા છે?' હિજાબ વિવાદ બાદ નીતિશ કુમારની આ દિલ્હી મુલાકાત અનેક રીતે મહત્વની છે.


