India

ઓપરેશન સિંદૂરમાં સર્વોચ્ચ બલિદાન આપનારા 6 જવાનોના નામ પહેલીવાર જાહેર, નેશનલ વોર મેમોરિયલમાં મળશે સ્થાન

By GS Team
26 Jun 20262 mins read
TukuTouch Logo
ગયા વર્ષે 'ઓપરેશન સિંદૂર'માં શહીદ થયેલા 6 વીર જવાનોના નામ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલ ખાતે અમર થશે. પાકિસ્તાન સામેના ઓપરેશનમાં સર્વોચ્ચ બલિદાન આપનારા 5 આર્મી જવાનો અને 1 એરફોર્સ સાર્જન્ટના નામ ગ્રેનાઈટ ઈંટો પર કોતરવામાં આવશે. રાઇફલમેન સુનિલ કુમારને મરણોત્તર 'વીર ચક્ર' અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને 'વાયુ સેના મેડલ' એનાયત કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓપરેશન સિંદૂરમાં સર્વોચ્ચ બલિદાન આપનારા 6 જવાનોના નામ પહેલીવાર જાહેર, નેશનલ વોર મેમોરિયલમાં મળશે સ્થાન
નેશનલ વોર મેમોરિયલ (IMAGE - IANS)

National War Memorial New Delhi: ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાન સામેના 'ઓપરેશન સિંદૂર' દરમિયાન દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા ભારતીય સશસ્ત્ર દળોના 6 વીર જવાનોને દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ (રાષ્ટ્રીય સમર સ્મારક) ખાતે અમર કરવામાં આવશે. દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા આ શહીદ જવાનોના નામ દિલ્હીમાં આવેલા આ સ્મારકની ગ્રેનાઈટ ઈંટો પર કોતરવામાં આવશે. વર્ષ 2025 દરમિયાન વિવિધ સૈન્ય ઓપરેશન્સમાં શહીદ થયેલા જવાનોની યાદી સાથે જ આ વીરોની ઓળખ પણ પ્રથમ વખત સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

શહીદ વીરોમાં કોનો-કોનો સમાવેશ થાય છે?

દેશ માટે કુરબાની આપનારા આ 6 બહાદુર જવાનોમાં ભારતીય સેના (આર્મી)ના 5 જવાનો અને ભારતીય વાયુસેના (એરફોર્સ)ના 1 સાર્જન્ટનો સમાવેશ થાય છે. આ વીર જવાનોના નામ નીચે મુજબ છે:

  1. સુબેદાર મેજર પવન કુમાર (ભારતીય સેના)
  2. રાઇફલમેન સુનિલ કુમાર (ભારતીય સેના)
  3. લાન્સ નાયક દિનેશ કુમાર (ભારતીય સેના)
  4. અગ્નિવિર મુરલી નાયક (ભારતીય સેના)
  5. હવાલદાર સુનિલ કુમાર સિંઘ (ભારતીય સેના)
  6. સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર (ભારતીય વાયુસેના)

આ પણ વાંચો: ભક્તોની આસ્થા પર તરાપ! રામ મંદિરમાં 42 દિવસમાં 70 વાર ચોરી, SIT તપાસ બાદ 8ની ધરપકડ

બે વીર જવાનોને મરણોત્તર સન્માન

દેશની રક્ષા માટે અદમ્ય સાહસ અને બહાદુરી બતાવવા બદલ ભારત સરકાર દ્વારા આ યાદીમાં સામેલ બે જવાનોને પ્રતિષ્ઠિત સૈન્ય સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે. જેમાં ભારતીય સેનાના રાઇફલમેન સુનિલ કુમારને મરણોત્તર 'વીર ચક્ર' એનાયત કરાયું છે, જ્યારે ભારતીય વાયુસેનાના સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને મરણોત્તર 'વાયુ સેના મેડલ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.

'ત્યાગ ચક્ર' પર હંમેશ માટે અમર થશે નામ

નેશનલ વોર મેમોરિયલ ખાતે આવેલું 'ત્યાગ ચક્ર' (સર્કલ ઓફ સેક્રિફાઇસ) ખાસ કરીને દેશના શહીદોને સમર્પિત છે. આ ચક્રમાં ગ્રેનાઈટની 16 ગોળાકાર દીવાલો આવેલી છે. આ દીવાલો પર લાગેલી ઈંટો પર આઝાદી પછી દેશ માટે શહીદ થનારા દરેક જવાનના નામ, રેન્ક અને તેમની યુનિટની વિગતો કોતરવામાં આવેલી છે. હવે 'ઓપરેશન સિંદૂર'ના આ 6 વીર સપૂતોના નામ પણ આ ભવ્ય સ્મારકનો કાયમી હિસ્સો બનશે, જેથી તેમનું બલિદાન દેશવાસીઓના હૃદયમાં હંમેશા માટે જીવંત રહે.