'ખુરશી પ્રજાની સેવા માટે હોય છે ન કે ઘમંડ કરવા, માથે ચઢી જાય તો...' સુપ્રીમ કોર્ટના CJIનું સૂચક નિવેદન
CJI B.R. Gavai: સુપ્રીમ કોર્ટના ચીફ ન્યાયાધીશ બી. આર. ગવઈએ મહારાષ્ટ્રના દરીયાપુર(અમરાવતી) ખાતે નવનિર્મિત અદાલત ભવનના ઉદ્ઘાટન સમારોહમાં એક મહત્ત્વનો સંદેશ આપ્યો. તેમણે ન્યાયતંત્ર, વહીવટીતંત્ર અને વકીલ સમુદાયને ખૂબ જ કડક અને મૂલ્યવાન શબ્દોમાં કહ્યું કે, 'આ ખુરશી જનતાની સેવા માટે છે, ઘમંડ કરવા માટે નહીં. જો તે માથે ચઢી જાય તો તે સેવા નહીં, પાપ બની જાય છે.'
ન્યાયાધીશો અને વકીલોને પણ આપી સલાહ
ચીફ જસ્ટિસ ગવઈ માત્ર વહીવટી અધિકારીઓને જ નહીં, પરંતુ ન્યાયાધીશો અને વકીલોને પણ તેમના વર્તન બાબતે આડે હાથ લીધા હતા. ચીફ જસ્ટિસે કહ્યું કે, 'ન્યાયાધીશોએ વકીલોને સન્માન આપવું જોઈએ. આ અદાલત વકીલ અને ન્યાયાધીશ બંનેની છે.'
આ સાથે જ જુનિયર વકીલોને ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું કે, 'જયારે 25 વર્ષનો વકીલ ખુરશી પર બેઠો હોય અને 70 વર્ષના સિનિયર તેની પાસે આવે છે, ત્યારે તે ઊભો પણ નથી થતો, આ બાબતે થોડી તો શરમ કરો! સિનિયરનું સન્માન કરો.'
CJI ગવઈનો સ્પષ્ટ સંદેશ
ચીફ જસ્ટિસ ગવઈના સમગ્ર ભાષણનો મુખ્ય મુદ્દો એ જ હતો કે, 'પછી ભલે તે જિલ્લા મેજિસ્ટ્રેટની ખુરશી હોય, પોલીસ સુપરિટેન્ડટ હોય કે ન્યાયાધીશની હોય, તે માત્ર અને માત્ર જનસેવાનું માધ્યમ છે. જો ખુરશીનો ઘમંડ માથા પર ચઢી જશે, તો ન્યાયનું મૂલ્ય સમાપ્ત થઈ જશે. આ ખુરશી સન્માનની છે, તેને ઘમંડથી અપમાનિત ન કરો.'