RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઈશ પણ ભારત નહીં કરે: PM મોદી
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી પીએમના સ્વર્ગવાસી માતા પર આપવામાં આવેલી ટિપ્પણીઓનો આકરો જવાબ આપ્યો છે. તેમણે બિહારમાં એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપતાં કહ્યું કે, હાલમાં જ બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારા માતાશ્રીને ગાળો આપવામાં આવી. માતા તો આપણું સંસાર છે. તે આપણું સ્વાભિમાન છે. આ સમૃદ્ધ પરંપરા ધરાવતા બિહારમાં થોડા સમય પહેલાં જે બન્યું, તે મારી કલ્પનામાં પણ ન હતું. મારી માતા રાજકારણ સાથે કોઈ લેવાદેવા ધરાવતા ન હતા, તેમ છતાં તેમને ગાળો આપવામાં આવી.
વિપક્ષે દેશની તમામ માતા-બહેનોને ગાળ આપી
પીએમ મોદીએ બિહારની મહિલા ઉદ્યોગ સાહસિકોને સરળતાથી ફંડ પ્રદાન કરતી રાજ્ય જીવિકા નીધિ સાખ સહકારી સંઘ લિમિટેડનું લોન્ચિંગ કરતાં કહ્યું કે, બિહારમાં આરજેડી-કોંગ્રેસ મંચ પરથી મારા માતા વિરુદ્ધ જે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરાયો છે. તે માત્ર મારી માતા માટે જ નહીં, પણ ભારતની તમામ માતા અને બહેનો માટે અપમાનજનક છે. હું જાણું છું કે, આ સાંભળ્યા બાદ તમે સૌ દુઃખી થયા છો. હું માફ કરી દઈશ પણ આ ભારતની ધરતી માફ નહીં કરે.
આ પણ વાંચોઃ PM મોદીને અપશબ્દ બોલવા મામલે પટણામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી
આરજેડી-કોંગ્રેસે માફી માગવી જોઈએ
બિહારમાં વીડિયો કોન્ફરન્સ મારફત 20 લાખ મહિલાઓને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે, મારા સ્વર્ગવાસી માતા હીરાબેન મોદીએ મને અને મારા ભાઈ-બહેનોને ગરીબીમાંથી બહાર લાવવા અથાગ મહેનત કરી. તેઓ બીમારીમાં પણ કામ કરતાં રહ્યા. તેઓ અમારી માટે કપડાં ખરીદવા પાઈ પાઈ જોડતાં હતા. આપણા દેશની કરોડો માતાઆઓ પોતાના બાળકો માટે આ મહેનત કરે છે. તેઓ દેવી-દેવતાનું સ્વરૂપ છે. જ્યારે વિપક્ષના ગઠબંધન RJD-કોંગ્રેસના મોટા નેતાઓ માતાને ગાળો આપે છે. મારા સ્વર્ગવાસી માતાને ગાળો આપી. આ માનસિકતા મહિલાઓને શોષણ અને અત્યાચાર દર્શાવે છે. આ મહિલા વિરોધી માનસિકતાને સત્તા મળી તો માતા, બહેનોને તકલીફ વેઠવી પડશે. મોદી તો માફ કરી દેશે પણ ભારતની ધરતી માતાનું અપમાન ક્યારેય સાંખી લેશે નહીં. RJD અને કોંગ્રેસે છઠી મૈયા પાસે માફી માંગવી જોઈએ.