ચીની સેનાએ મારી ટીમને પકડી લેતાં કરિયર ખતમ થવાની અણી પર હતું: અજીત ડોભાલે સંભળાવ્યો ભયાનક કિસ્સો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NSA Ajit Doval Recalls Sikkim Intelligence Mission: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજિત ડોભાલે IIT રૂરકીના(IIT Roorkee)ના દિક્ષાંત સમારોહમાં પોતાના શરૂઆતી ઇન્ટેલિજન્સ કરિયરનો એક રોમાંચક અને ચિંતાજનક કિસ્સો યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ એક યુવાન IPS અધિકારી તરીકે સિક્કિમમાં ઇન્ટેલિજન્સની જવાબદારી સંભાળી રહ્યા હતા, ત્યારે સરહદી વિસ્તારો પર નજર રાખવી અને ચીની આર્મી(PLA)ની ગતિવિધિઓની માહિતી ભેગી કરવી તેમની મુખ્ય ડ્યૂટી હતી. તેમણે ઉમેર્યું કે તે સમયે તેઓ ઇન્ટેલિજન્સ સર્વિસમાં નવા હતા અને તેમની ઉંમર પણ ઘણી ઓછી હતી.
ઇન્ટેલિજન્સ મિશન પર ગયેલી ટીમ પરત ન ફરતા ચિંતા
ડોભાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, એક વખત તેમની ટીમે સરહદી વિસ્તારમાં એક ગુપ્ત ઇન્ટેલિજન્સ મિશન મોકલ્યું હતું. યોજના મુજબ ટીમને લગભગ 5થી 6 દિવસમાં પાછા ફરવાનું હતું. પરંતુ નક્કી કરેલો સમય વીતી ગયા પછી પણ ટીમ પાછી આવી ન હતી. તેમણે કહ્યું, 'પહેલા 5 દિવસ વિત્યા, પછી 10 દિવસ પણ નીકળી ગયા. ટીમ પરત ન આવતા મને ભારે ચિંતા થવા લાગી. આ ચિંતા માત્ર એક અધિકારી તરીકે જ નહોતી, પરંતુ મિશન પર ગયેલા લોકોની સુરક્ષાને લઈને પણ હતી.' થોડા સમય પછી હેડક્વાર્ટર તરફથી ફોન આવ્યો અને તેમના સિનિયર અધિકારીએ જણાવ્યું કે, મિશન પર ગયેલી સમગ્ર ટીમ ચીની સેનાની કસ્ટડીમાં છે. બાદમાં રાજદ્વારી વાટાઘાટો અને ડિપ્લોમેટિક પ્રયાસો પછી ટીમના સભ્યોની સુરક્ષિત વાપસી થઈ શકી હતી.
ડોભાલને લાગ્યું કે કરિયર ખતમ થઈ ગયું
NSA ડોભાલે સ્વીકાર્યું કે આ ઘટના પછી તેમને લાગ્યું હતું કે તેમની કરિયર હવે અહીં જ પૂરી થઈ ગઈ છે. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તપાસમાં તેમની કોઈ ભૂલ મળી ન હતી.
તેમણે કહ્યું કે તેમણે પોતાની તરફથી તમામ બાબતો યોગ્ય રીતે કરી હતી, છતાં આ ઘટનાથી તેઓ ખૂબ દુઃખી થયા હતા. એક ઑફિસર તરીકે મિશનની જવાબદારી તેમના પર હતી અને સાથે જ પોતાના માણસોની સુરક્ષાની ચિંતા પણ તેમને સતાવી રહી હતી.
વૃદ્ધ તિબેટીયન શેરપાએ આપી જિંદગીની મોટી શીખ
અજિત ડોભાલે જણાવ્યું કે તે સમયે તેમની સાથે ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં કામ કરતા એક વૃદ્ધ તિબેટીયન શેરપા પણ હતા. તે શેરપાએ તેમને જીવનનો એક મોટો પાઠ ભણાવ્યો હતો. શેરપાએ કહ્યું હતું કે, 'આ બધી રમત મેપ રીડિંગ(Map Reading)ની છે. જિંદગીમાં કેટલાક લોકો પોતાનો નકશો સાચો ઉકેલી લે છે, જ્યારે કેટલાક લોકો ખોટી દિશા પકડી લે છે.'
ડોભાલના જણાવ્યા મુજબ, આ નાનકડી વાતે તેમને જીવન અને કરિયર વિશે એક બહુ મોટી સમજ આપી. તેમનો સંદેશ હતો કે, જીવનમાં દરેક વ્યક્તિએ અલગ-અલગ પરિસ્થિતિઓ વચ્ચે નિર્ણયો લેવાના હોય છે. યોગ્ય દિશા ઓળખવી અને પરિસ્થિતિને સમજવી જ આગળ વધવા માટે સૌથી જરૂરી છે.




