એમવી ગંગા વિલાસઃ આ રીતે કરો ટિકિટ બુકિંગ, જાણો શું છે કિંમત?
- રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસ દ્વારા સાંસ્કૃતિક, ઐતિહાસિક સ્થળોનો આનંદ માણી શકાશે
નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2023, શુક્રવાર
વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસે અદભૂત પ્રવાસ શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેને લીલી ઝંડી આપી દીધી છે. તેના દ્વારા સાંસ્કૃતિક, ઐતિહાસિક સ્થળોનો આનંદ માણી શકાશે. હવે પ્રશ્ન એ છે કે 51 દિવસની આ મુસાફરી માટે કેવી રીતે બુકિંગ કરી શકાય? તેમજ તેની કિંમત શું હશે? તો ચાલો આ બધી બાબતો વિશે વિસ્તારથી જાણીએ.
જાણો શું છે ટિકિટની કિંમત
મળતી માહિતી મુજબ લક્ઝરી ક્રૂઝ પર 51 દિવસોની મુસાફરીનો કુલ ખર્ચપ્રતિ પેસેન્જર આશરે 20 લાખ રૂપિયા હશે. અહીં દૈનિક ટિકિટ 25,000 રૂપિયાથી 50 હજાર રૂપિયા સુધીની હશે. જહાજમાં એક સમયે કુલ 36 મુસાફરો પ્રવાસ કરી શકે છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર પ્રથમ સફરમાં સ્વિટ્ઝરલેન્ડના 35 સહેલાણીઓ સમગ્ર પ્રવાસ માટે જઈ રહ્યા છે.
કેવી રીતે બુક કરી શકાશે ટિકિટ
આ આંતરરાષ્ટ્રીય ક્રૂઝની ટિકિટ અંતરા લક્ઝરી રિવર ક્રૂઝ (Antara Luxury River Cruises) ની વેબસાઈટ પરથી બુક કરી શકાય છે. જો કે હજુ સુધી તેનું બુકિંગ શરૂ નથી થયું. આગામી યાત્રા સપ્ટેમ્બરમાં શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ PM મોદીએ આજે ગંગા વિલાસ ક્રૂઝને આપી લીલી ઝંડી, ટેન્ટ સિટીનું પણ ઉદ્ઘાટન કર્યું
મુસાફરીનો રૂટ
51 દિવસના પ્રવાસ દરમિયાન ક્રૂઝ 50 પર્યટન સ્થળો પરથી પસાર થશે. તેમાં અનેક વિશ્વ ધરોહર સ્થળો, રાષ્ટ્રીય ઉદ્યાનો, ઘાટ અને બિહારમાં પટના, ઝારખંડમાં સાહિબગંજ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, બાંગ્લાદેશમાં ઢાકા અને આસામમાં ગુવાહાટીનો સમાવેશ થાય છે. ક્રૂઝ વારાણસીથી તેની મુસાફરી શરૂ કરી ચૂકી છે અને તે પટના, સાહિબગંજ, કોલકાતા, ઢાકા, ગુવાહાટી અને ડિબ્રુગઢ તરફ જશે.
ક્રૂઝની વિશેષતા
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એમવી ગંગા વિલાસ ક્રૂઝ 62 મીટર લાંબી, 12 મીટર પહોળી અને 1.4 મીટરના ડ્રાફ્ટ સાથે આરામથી સફર કરે છે. તેમાં 3 ડેક છે, 36 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા 18 સ્યુડ બોર્ડ છે, જેમાં પ્રવાસીઓને યાદગાર અને વૈભવી અનુભવ પ્રદાન કરવા માટે તમામ સુવિધાઓ છે. જહાજ તેના મૂળમાં ટકાઉ સિદ્ધાતોનું પાલન કરે છે કારણ કે તે પ્રદૂષણ મુક્ત સિસ્ટમો અને અવાજ તકનીકોથી સજ્જ છે.