'ચલો તમને ગંગા સ્નાન કરાવી લાઉં...' દિવ્યાંગ પતિને પીઠ પર બેસાડી કાંવડ યાત્રાએ નીકળી પત્ની
Image Source: Twitter
Kanwar Yatra: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કાંવડ યાત્રા દરમિયાન એક ભાવુક કરી દેતી તસવીર સામે આવી છે. વાસ્તવમાં એક પત્ની પોતાના દિવ્યાંગ પતિને પોતાની પીઠ પર બેસાડીને લગભગ 150 કિ.મીની પગપાળા કાંવડ યાત્રા કરાવી રહી છે. આ મહિલાની ઈચ્છા છે કે, તેનો પતિ પોતાના પગ પર ઊભો થઈ જાય અને ચાલી શકે. આ મહિલા હરિદ્વારથી ગંગાજળ લઈને પતિને પોતાની પીઠ પર બેસાડીને મોદીનગર સુધીની કાંવડ યાત્રા પર છે. મહિલાની સાથે તેના બે બાળકો પણ યાત્રા કરી રહ્યા છે.
આ શિવભક્ત મહિલાનું નામ આશા છે અને તેના પતિનું નામ સચિન છે. તેઓ બખરવા મોદીનગર ગાઝિયાબાદના નિવાસી છે. સચિન 13 વર્ષ સુધી દર વર્ષે પોતાના પગ પર ચાલીને કાંવડ યાત્રા કરતો આવ્યો છે. પરંતુ ગત વર્ષે કરોડરજ્જુના ઓપરેશન દરમિયાન સચિનને પેરાલિસિસ થઈ ગયો હતો. જેના કારણે સચિન હવે પોતાના પગ પર ચાલી નથી શકતો.
હું તમને મારી પીઠ પર બેસાડીને કાંવડ યાત્રા પૂર્ણ કરાવીશ
આ વખતે જ્યારે કાંવડ યાત્રાનો સમય આવ્યો ત્યારે સચિનની પત્ની આશાએ વિચાર્યું કે દર વખતે મારો પતિ ખુદ પોતાના પગ પર ચાલીને કાંવડ યાત્રા લાવતો રહ્યો છે, પરંતુ આ વખતે તે લાચાર છે. તેથી આશાએ પોતાના પતિ સાથે હરિદ્વારમાં સ્નાન કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ આશા પોતાના પતિ સચિન અને બે બાળકો સાથે હરિદ્વાર પહોંચી ગઈ. જ્યારે આશાએ હર કી પૌડીથી ગંગાજળ લીધું, ત્યારે તેણે પતિને કહ્યું કે આ વખતે હું તમને મારી પીઠ પર બેસાડીને કાંવડ યાત્રા પૂર્ણ કરાવીશ.
આશાએ ભગવાન શિવ પર માનતા પણ માગી છે કે મારા પતિ સચિનના પગ સાજા થઈ જાય જેથી તે ફરીથી પોતાના પગ પર ઉભા રહીને કાંવડ યાત્રા કરી શકે. આશાનું કહેવું છે કે, 'પતિની સેવામાં જ મેવા છે, બાકી કંઈ નથી.' આશાએ એમ પણ કહ્યું કે રસ્તામાં તેને મળતા તમામ શિવભક્ત કાંવડીઓ મારી પ્રશંસા કરે છે અને મને પ્રોત્સાહન આપે છે.
સચિન પરિવારમાં એકમાત્ર કમાનાર હતો
સચિન પરિવારમાં એકમાત્ર કમાનાર હતો. તે રંગકામ કરતો હતો, પરંતુ તેની બીમારી પછી હવે પરિવારમાં કોઈ કમાનાર નથી. આ પરિવારમાં પતિ, પત્ની અને બે પુત્રો છે. આશાએ જણાવ્યું કે 'અમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જ્યારે પતિ સચિન બીમાર પડ્યો, ત્યારે મેં આયુષ્માન કાર્ડ દ્વારા સારવાર કરાવી. જો આયુષ્માન કાર્ડ ન હોત તો ખબર નહીં શું થયું હોત.'
આશાએ આગળ કહ્યું કે, હું હર કી પૌડીથી ગંગાજળ લઈને આવી રહી છું. હું મારા ગામ મોદીનગર બખરવા જઈશ. જ્યારથી મારા પતિનું સ્પાઈનનું ઓપરેશન થયું છે ત્યારથી તેઓ ચાલી નથી શકતા. તેઓ ખુદ 13 વખત કાંવડ લાવી ચૂક્યા છે. આ 14મી કાંવડ છે.
આ પણ વાંચો: વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી કાર, 2 લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ
આશાએ કહ્યું કે, હું રસ્તા પર રોકાઈ-રોકાઈને ચાલું છું. હું ચાલતી રહું છું. મારા બે દીકરા છે, મારો આખો પરિવાર મારી સાથે છે. મારા બાળકો પણ પગપાળા ચાલી રહ્યા છે. મારા પતિનું 1 ઓગસ્ટના રોજ ઓપરેશન થયું હતું. હવે 1 ઓગસ્ટના રોજ એક વર્ષ થશે. બાળકો પણ અમારી આર્થિક સ્થિતિ જોઈને કંઈપણ વસ્તુ માટે આગ્રહ નથી કરતા. હું સરકાર પાસેથી મદદ માગુ છું. મારા પતિને કંઈક કામ મળવું જોઈએ, થોડી સુવિધાઓ મળવી જોઈએ.
ચાલો તમને ગંગા સ્નાન કરાવી લાઉં.
દિવ્યાંગ પતિ સચિને કહ્યું કે, '13 જુલાઈના રોજ સાંજે જમીને બેઠા હતા અને વાતચીત કરી રહ્યા હતા. ત્યારે પત્નીએ અચાનક કહ્યું કે, ચાલો આપણે પણ હરિદ્વાર જઈ રહ્યા છીએ. મેં કહ્યું કે, મારી હાલત તો જો, મારાથી ઊભું પણ નથી રહેવાતું. તો પત્નીએ કહ્યું કે, તમે ચાલો તમને ગંગા સ્નાન કરાવી લાઉં. મેં પત્નીને કહ્યું કે, તું એકલી હરિદ્વારથી કાંવડ લઈને આવી જા. હરિદ્વારમાં સ્નાન બાદપત્ની કહેવા લાગી કે, ભોળેનાથના મંદિરમાં તમને મારી પીઠ પર બેસાડીને જ લઈ જઈશ. મને 16 વર્ષ થઈ ગયા કાંવડ લાવતા. હું પગપાળા જ ચાલું છું. હર કી પૌડીથી બાબ કૌશલનાથના મંદિરમાં 13 કાંવડ ચઢાવી ચૂક્યો છું.'