VIDEO: મુંબઈમાં 17 બાળકોને કિડનેપ કરનારા રોહિત આર્યાનું મોત, પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી

Mumbai RA Studio: મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા આર.એ. સ્ટૂડિયોમાં 17 બાળકોને બંધક બનાવનારા કિડનેપર રોહિત આર્યાનું મોત થઈ ગયું છે. પોલીસની જવાબી કાર્યવાહી દરમિયાન ફાયરિંગમાં તેને ગોળી વાગી હતી, જ્યારબાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન રોહિત આર્યાને મૃત જાહેર કર્યો. પોલીસે હવે ઘટનાની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે અને ઓપરેશનનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે.
જણાવી દઈએ કે, મૃતક રોહિત આર્યાએ 17 બાળકોને બંધક બનાવ્યા હતા. આ તમામ બાળકોને સ્ટૂડિયોમાં રોહિતે ઓડિશન માટે બોલાવીને બંધક બનાવી લીધા હતા. બંધક બનેલા બાળકો પહેલા માળે કાચમાંથી બાળકો બહાર ડોકિયું કરતાં નજરે પડ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક સક્રીય થઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જાણવા મળ્યું છે કે બાળકોને બંધક બનાવનાર રોહિત આ જ સ્ટુડિયોમાં કામ કરતો હતો. તેમજ એક YouTube ચેનલ પણ ચલાવતો હતો અને છેલ્લા ચાર-પાંચ દિવસથી તે અહીં ઓડિશન કરાવી રહ્યો હતો.
તમામ બાળકોનો સુરક્ષિત બચાવ: મુંબઈ પોલીસ
આ મામલે મુંબઈ પોલીસે જણાવ્યું છે કે, 'બધા બાળકોને ઘટનાસ્થળેથી સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. બધા બાળકો સુરક્ષિત છે અને તેમને તેમના વાલીઓને સોંપી દેવામાં આવ્યા છે. વેરિફિકેશન પછી અન્ય માહિતી જલદીથી શેર કરવામાં આવશે. પોલીસે હાલ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ સાથે ઓપરેશનનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે.'
કિડનેપરે વીડિયો મેસેજ જાહેર કર્યો હતો
કિડનેપર રોહિત આર્યાએ આ દરમિયાન એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો, જેમાં તે પોતે બાળકોનું અપહરણ કરનાર હોવાનું કબૂલીને કહ્યું હતું કે, આ કૃત્ય એક યોજનાનો ભાગ હતું. રોહિતનો દાવો હતો કે કેટલાક લોકો સાથે વાતચીત કરાવવા માટે તેણે બાળકોને બંધક બનાવ્યા હતા.
આરોપીએ કહ્યું હતું કે, 'ન તો હું આતંકવાદી છું, ન તો મારી પૈસાની કોઈ માંગણી છે. મારે અમુક સવાલો કરવાના છે અને આ જ કારણોસર મેં અમુક બાળકોને બંધક બનાવ્યા છે. મેં આ બાળકોને એક યોજના હેઠળ જ બંધક બનાવ્યા છે. આ વિચારપૂર્વકનું પગલું છે. હું બાળકોને બંધક બનાવવા જઈ રહ્યો છું. જો હું જીવતો રહ્યો તો ચોક્કસ કરીશ અને જો મરી ગયો તો કોઈ બીજું કરશે, પણ આ થશે જરૂર.'
આરોપીએ વધુમાં કહ્યું હતું કે, 'જો તમારી તરફથી જરા પણ ખોટું પગલું ભરવામાં આવ્યું, તો હું આખી જગ્યાને આગ લગાવી દઈશ અને પછી હું મરી જઈશ. હું મરું કે ન મરું, બાળકો વગર કારણે હર્ટ થશે અને આઘાતગ્રસ્ત થશે. તેનો જવાબદાર હું નહીં હોઉં. તેનો જવાબદાર તે લોકો હશે, જેઓ વગર કારણે મને ઉશ્કેરી રહ્યા છે, જ્યારે હું માત્ર વાત કરવા માગુ છું.'
શું છે સમગ્ર મામલો?
માહિતી મુજબ, આજે(30 ઓક્ટોબર) સવારે જ્યારે લગભગ 100 બાળકો ઓડિશન માટે પહોંચ્યા હતા, ત્યારે તેણે લગભગ 80 બાળકોને જવા દીધા હતા, પરંતુ 15થી 20 બાળકોને અંદર જ રોકી લેવામાં આવ્યા હતા. રોહિતે બાળકોને બંધક શા માટે બનાવ્યા તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ સતત તેની સાથે વાતચીતનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: 'બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી', PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર

