'બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી', PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર

PM Modi Bihar Visit: વિધાનસભા ચૂંટણીની ઘોષણા પછી બીજી વખત બિહાર પહોંચેલા પીએમ મોદીએ પહેલાની તુલનામાં એકદમ અલગ અંદાજ બતાવ્યો. આ વખતે તેમણે વિપક્ષી દળો, ખાસ કરીને આરજેડી (RJD) અને કોંગ્રેસના નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો. આ સાથે જ તેમણે 'જંગલરાજ' અને 'કુશાસન'ના નામે વિપક્ષને ઘેર્યા પણ ખરા.
'બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી': પીએમ મોદી
પીએમ મોદીએ બુધવારે મુઝફ્ફરપુરની જનસભામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે બિહારમાં બે યુવરાજોએ જૂઠા વાયદાની દુકાન ખોલી રાખી છે. એક યુવરાજ ભારતના સૌથી ભ્રષ્ટ પરિવારના છે, તો બીજા બિહારના સૌથી ભ્રષ્ટ પરિવારના છે. આ બંને હજારો કરોડોના કૌભાંડમાં જામીન પર છે. આ બંનેએ બુધવારે મોદીને ભરપૂર ગાળો આપી. હવે જે લોકો નામદાર છે, તે આ કામદારને ગાળો તો આપશે જ. મને ગાળ આપ્યા વિના, તેમનું ભોજન હજમ થતું નથી. દલિત અને પછાત વર્ગના લોકોને ગાળો આપવી આ નામદારો પોતાનો જન્મસિદ્ધ અધિકાર સમજે છે. તેથી આ લોકો 24 કલાક મને ગાળો આપતા રહે છે. કારણ કે તેમને એ સહન થતું નથી કે એક પછાતનો દીકરો અને ચા વેચનારો આજે અહીં (આ પદ પર) પહોંચી ગયો છે. ગાળો આપનારાઓ કાન ખોલીને સાંભળી લો, આ ગરીબનો દીકરો જનતાના આશીર્વાદથી અહીં સુધી પહોંચ્યો છે.'
વિપક્ષનું લક્ષ્ય જંગલરાજ ફરી પાછું લાવવાનું છે
આ અંગે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, 'આરજેડી અને કોંગ્રેસનો ઝઘડો આજની સાચી ખબર છે. હવે તેમનો સંબંધ તેલ અને પાણી જેવો થઈ ગયો છે. બિહારમાં ચારે તરફથી સમાચાર આવી રહ્યા છે કે કેવી રીતે આરજેડી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજા પ્રત્યે દુશ્મની બતાવી રહ્યા છે. જામીન પર ચાલી રહેલા બંને યુવરાજોએ બુધવારે એવું દેખાડવાનો પ્રયત્ન કર્યો કે તેમના વચ્ચે કોઈ મનમોટાવ નથી. તેમને જે વસ્તુ એકસાથે લાવી છે, તે છે સત્તાની લાલચ. તેમને ગમે તેમ કરીને બિહારની સરકાર પર કબજો કરવો છે, જેથી આ લોકો ફરીથી બિહારને લૂંટી શકે. ફરીથી જંગલરાજ પાછું લાવી શકે.'
વિપક્ષના ઘોષણાપત્રમાં ફક્ત જૂઠાણું
પીએમ મોદીએ જનતાને પૂછ્યું કે, 'તમે જણાવો, શું તમે જામીન પર છૂટેલા આ બંને યુવરાજોને બિહાર લૂંટવા દેશો ખરા? આજે દરેક સરવેમાં એક વાત ખૂલીને સામે આવી રહી છે કે આ ચૂંટણીમાં આરજેડી અને કોંગ્રેસની સૌથી મોટી હાર થવા જઈ રહી છે. બધા સરવે જણાવી રહ્યા છે કે એનડીએની સૌથી મોટી જીત થવા જઈ રહી છે. આ ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી ઓછી બેઠકો તેમને મળવા જઈ રહી છે. બિહારની જનતા એક નવો ઇતિહાસ બનાવવા જઈ રહી છે. પોતાના ઘોષણાપત્રમાં આ લોકો ફક્ત જૂઠું બોલી રહ્યા છે. આ લોકો એટલું ફેંકી રહ્યા છે કે તેમના સમર્થકોને પણ તેમની વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો. લોકો સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડાવી રહ્યા છે.'

