Mumbai Mayor News: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીમાં આમ તો મહાયુતિએ બાજી મારી છે, પણ મેયર પદ માટે બંને પણ પક્ષ ભાજપ અને શિવસેના એકનાથ શિંદે વચ્ચે અંદરોઅંદર ડખો ઊભો થયો છે, જેના કારણે હાલ મહારાષ્ટ્રની રાજનીતિ ચરમસીમા પર છે, બીજા નંબરે આવેલી શિવસેના (ઉદ્ધવ ઠાકરે) પાસે 65 બેઠકો છે, સૂત્રોનું માનીએ તો ઉદ્ધવ ઠાકરે મોટો ખેલ કરી શકે છે. શિંદે સામે જૂનો બદલો લેવા એવી રમત રમી શકે છે કે શિંદેનો ખેલ ઊંધો પડે તો પાવર ઘટી શકે છે. કારણ કે શિવસેના શિંદે જૂથે માંગ મૂકી છે કે પ્રથમ વર્ષ માટે મેયર પદ પાર્ટીને આપવામાં આવે, હાલ મુંબઈ મહાનગર પાલિકા પર રાજ કરવા ભાજપ અને શિવસેના શિંદે જૂથ પાસે કુલ 118 બેઠકો છે. જે બહુમતી 114ના આંકડાથી માત્ર ચાર જ વધુ છે.
BMCની નંબર ગેમ
કુલ બેઠક: 227, બહુમતી: 114, આમ તો, શુક્રવારે જાહેર થયેલા BMC ચૂંટણીના પરિણામોમાં મહાયુતિ ગઠબંધન(ભાજપ-શિવસેના શિંદે જૂથ)ને 118 બેઠકો સાથે પૂર્ણ બહુમતી મળી છે.
-ભાજપ: 89 બેઠકો
-શિવસેના (એકનાથ શિંદે): 29 બેઠકો
-શિવસેના (ઉદ્ધવ ઠાકરે): 65 બેઠકો
-કોંગ્રેસ: 24 બેઠકો
-MNS (રાજ ઠાકરે): 6 બેઠકો
-AIMIM: 8 બેઠકો
-NCP (શરદ પવાર): 1 બેઠક
-NCP (અજિત પવાર): 3 બેઠકો
ઉદ્ધવ સેના શું પ્લાન કરી રહી છે?
સૂત્રો મુજબ, UBT જૂથ BMC ગૃહમાં મેયર ચૂંટણી દરમિયાન પોતાના તમામ કોર્પોરેટર્સનું વોક આઉટ કરવા પર વિચાર કરી શકે છે, ઉદ્ધવ ઠાકરે જો ખેલ કરે તો મેયર પદ માટેના વોટિંગ સમયે ગૃહની પ્રભાવી બેઠક શક્તિ ઓછી થઈ જશે, જેનાથી ભાજપ માટે પોતાના દમ પર બહુમત હાંસલ કરવી સરળ થઈ જશે, જેથી ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે જૂથની સત્તાની તાકાત ઘણી ઓછી કરી વેર વાળી શકે છે.
સૂત્ર મુજબ જો આ વ્યૂહનીતિ લાગુ થયા તો એકનાથ શિંદેને મુંબઈ નગર નિગમમાં ખૂબ મોટો ઝટકો પડી શકે છે. કેમ કે સત્તાધારી મહાયુતિ ગઠબંધનનો ભાગ હોવા છતાં એકનાથ શિંદેનો દબદબો ઓછો થઈ શકે છે, જો કે UBT તરફથી આ વ્યૂહનીતિ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પણ રાજનીતિની તાસીર એ છે કે કહેવું કંઈક અને કરવું કંઈક, અંગત સૂત્રના દાવા મુજબ મેયરની રેસમાં જો કોઈ વિકલ્પ ન દેખાય તો છેલ્લે ઉદ્ધવ ઠાકરે આ વ્યૂહનીતિથી 'એક કાંકરે બે પક્ષી' મારી શકે છે.
જો ભાજપનો મેયર ચૂંટાશે તો મુંબઈ દુખમાં ડૂબી જશે: શિવસેના (UBT)
શિવસેના(UBT)ના નેતા સંજય રાઉતે કડક ટિપ્પણી કરતાં કહ્યું છે કે, 'જે દિવસે ભાજપનો મેયર ચૂંટાશે અથવા તો ગદ્દાર(એકનાથ શિંદે)નો મેયર ચૂંટાશે તે દિવસે મુંબઈ દુખમાં ડૂબી જશે, શું તમે સમજો છો, આ એવો જ કાળો દિવસ હશે જ્યારે મોરારજી દેસાઈએ ફાયરિંગનો આદેશ આપ્યો હતો અને 106 લોકો માર્યા ગયા હતા, જ્યારે ભાજપનો મેયર ચૂંટાશે ત્યારે પણ તેવો કાળો જ દિવસ હશે.'
સંજય રાઉતે મેયર અંગે પોતાની પાર્ટીની વ્યૂહનીતિ જણાવતાં કહ્યું કે, 'મેં ક્યારે કહ્યું કે મેયર અમારો નહીં હોય, તમામ વિકલ્પો પર નજર રખાઈ રહી છે, તમે ચિંતા ન કરો, પહેલા જુઓ કે ભાજપ મેયરની વાત કરે છે, એકનાથ શિંદે પણ 30 કોર્પોરેટર નથી તો પણ મેયરની વાતો કરી રહ્યા છે. 'શેર અભી જિંદા હૈ', શિવસેના અને અમારા સાથીઓ પાસે હાલ પણ પડકાર ફેંકી શકાય તેટલા નંબર છે'


